રાજકોટના રિસોર્ટમાં કરૂણાંતિકા: જામનગરની 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેકથી મોત

રાજકોટના જામનગર રોડ પર આવેલા અનંતા રિસોર્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જામનગરથી પરિવાર સાથે પ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેક…

રાજકોટના જામનગર રોડ પર આવેલા અનંતા રિસોર્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જામનગરથી પરિવાર સાથે પ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેક આવવાના કારણે કરૂૂણ મોત નીપજ્યું છે. આ નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે બાળકીના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અને પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. પવિત્ર પુરુષોત્તમ માસના ધાર્મિક પ્રસંગે પરિવારમાં ખુશીનો માહોલ હતો, જે આ આકસ્મિક ઘટનાને પગલે પલભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.

મૃતક સગીરાની ઓળખ આનંદી રાજેશભાઈ મોદી તરીકે થઈ છે, જે જામનગરના બંધન ચોક મોટી ફળી વિસ્તારમાં રહેતી હતી. 15 વર્ષની આનંદી તાજેતરમાં જ ધોરણ 9 પાસ કરીને ધોરણ 10માં આવી હતી. પોતાના પરિવારમાં એક ભાઈ અને એક બહેનમાં તે સૌથી નાની અને વ્હાલસોયી દીકરી હતી. તેના પિતા રાજેશભાઈ જામનગરમાં પોતાનો સ્ટુડિયો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વેકેશન પૂરું થયા બાદ હજુ તો ધોરણ 10ના અભ્યાસની શરૂૂઆત થઈ હતી ત્યાં જ દીકરીના આવા અકાળે અવસાનથી માતા-પિતા અને ભાઈ પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાની વિગત મુજબ, ટંકારા ખાતે રહેતા આનંદીના મામા ગોપાલભાઈ કટારીયાએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે એક જમણવારનું આયોજન રાખ્યું હતું. આ પારિવારિક પ્રસંગની ઉજવણી માટે તમામ સગા-સંબંધીઓ ભેગા થયા હતા અને રાજકોટના જામનગર રોડ પર આવેલા અનંતા રિસોર્ટ ખાતે એકત્રિત થયા હતા. રિસોર્ટના ખુશનુમા વાતાવરણમાં આનંદી અન્ય બાળકો સાથે હસતા-રમતા આનંદ માણી રહી હતી. દરમિયાન, રમતા-રમતા અચાનક જ તે બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. સગીરા અચાનક ઢળી પડતાં જ રિસોર્ટમાં હાજર પરિવારજનોમાં દોડધામ અને ભારે ચીસાચીસ મચી ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરતાં જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

આ દુ:ખદ ઘટના અંગે હોસ્પિટલ પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ગાંધીગ્રામ પોલીસ મથકનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.બી.પટેલ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચીને જરૂૂરી કાગળો અને કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *