રાજ્યની 54 હજાર શાળાઓ ભૂલકાંઓના કિલ્લોલથી ગુંજી ઉઠી

1.15 કરોડથી વધુ બાળકોનું ઉનાળુ વેકેશન પૂરુ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 54 હજાર કરતા વધુ સ્કૂલોમાં રવિવારના રોજ ઉનાળું…

1.15 કરોડથી વધુ બાળકોનું ઉનાળુ વેકેશન પૂરુ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 54 હજાર કરતા વધુ સ્કૂલોમાં રવિવારના રોજ ઉનાળું વેકેશનનો છેલ્લો દિવસ પુર્ણ થયા બાદ સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. આમ, 35 દિવસના લાંબા વેકેશન બાદ રાજ્યની તમામ સ્કૂલો 1.15 કરોડથી વધુ બાળકોના કિલ્લોલથી ગુંજી ઊઠયા હતા. નવા શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રથમ સત્રમાં 120 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે બીજા સત્રમાં 124 દિવસનો શિક્ષણ કાર્ય થશે. સ્કૂલો શરૂૂ થવાના એક દિવસ પહેલા એટલે કે રવિવારના રોજ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે વાલીઓની ભીડ જોવા મળી હતી. આજે નવા શૈક્ષણીક વર્ષના પ્રારંભે બાળકોનું સ્કુલોમાં સ્વાગત કરાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ મળી કુલ 43000 જેટલી શાળાઓ આવેલી છે. જ્યારે 11400 કરતાં વધુ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. આમ, રાજ્યમાં 54400 જેટલી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 4 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે અનુસાર 7 જૂન રવિવારના રોજ ઉનાળા વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી હવે સોમવારના રોજથી રાજ્યની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્કૂલો શરૂૂ થવાના છેલ્લા દિવસે બજારોમાં પુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.

રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ થયા બાદ 8 જૂનથી 4 નવેમ્બર સુધી પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે. ત્યારબાદ 5 નવેમ્બરથી દિવાળી વેકેશન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, પ્રથમ સત્રમાં 120 દિવસ શૈક્ષણિક કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી 21 દિવસનો દિવાળી વેકેશન રહેશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજું શૈક્ષણિક ક્ષેત્ર 2 મે સુધી કુલ 124 દિવસનું રાખવામાં આવ્યું છે.

પ્રથમ શૈક્ષણિક સત્રમાં ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષાનો 22 ઓક્ટોબરથી પ્રારંભ થશે અને 2 નવેમ્બરના રોજ પ્રથમ કસોટી પુર્ણ થશે. પ્રથમ કસોટીમાં જૂન માસથી લઈને સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. પ્રથમ સત્રમાં જૂનમાં અભ્યાસના 19 દિવસ, જુલાઈમાં 27 દિવસ, ઓગસ્ટમાં 23 દિવસ, સપ્ટેમ્બરમાં 24 દિવસ, ઓક્ટોબરમાં 24 દિવસ અને નવેમ્બરના 3 દિવસ મળી કુલ 120 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ સત્રમાં વિદ્યાર્થીઓને 9 જાહેર રજા મળશે. જેમાં ઓગસ્ટ અને ઓક્ટોબરમાં 3-3 અને સપ્ટેમ્બરમાં 2 જાહેર રજા હશે.

અમુક વિષયના પુસ્તકો હજુ મળ્યા નથી
ખાડી યુદ્ધની અસર ગુજરાતના શિક્ષણ વિભાગ પર પણ વર્તાઈ હતી. યુદ્ધના કારણે દેશભરમાં કાગળની અછત વર્તાતા સોમવારથી સ્કૂલો શરૂૂ થઈ જશે પરંતુ કેટલાક વિષય અને માધ્યમના પુસ્તકો માટે વિદ્યાર્થીઓએ થોડા દિવસો વધુ રાહ જોવી પડી શકે છે. સરકારી સ્કૂલોમાં ધોરણ-1થી 8માં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે તમામ પુસ્તકો તાલુકા મથકે પહોચતા કરી દેવાયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત, ધોરણ-1થી 12ના ગુજરાતી માધ્યમના કિંમતવાળા પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ થયા હોવાનો દાવો વ્યક્ત કરાયો છે. જોકે હજુ અંગ્રેજી સહિત અન્ય માધ્યમના કેટલાક પુસ્તકો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ પુસ્તકો એકાદ સપ્તાહમાં બજારમાં આવે તેવી તૈયારીઓ છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ-1થી 12માં 590 જેટલા વિષયના વિનામુલ્યના 4.30 કરોડ જેટલા પુસ્તકો દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. જ્યારે કિંમતવાળા 1.54 કરોડ જેટલા પુસ્તકો તૈયાર કરાતા હોય છે. જોકે, વાલીઓના આક્ષેપ મુજબ પુસ્તકો માટે બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાવા છતાં હજુ પુસ્તકો ઉપલબ્ધ થયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *