રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર ડિવાઇડર તોડનાર સામે ગુનો નોંધાયો

હાઇવે ઉપર ડીવાઈડર તોડનાર સામે કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને આપેલી સુચના બાદ રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર જાહેર સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર સામે માર્ગ અને મકાન…

હાઇવે ઉપર ડીવાઈડર તોડનાર સામે કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને આપેલી સુચના બાદ રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર જાહેર સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર સામે માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ. આઈ. જાડેજા દ્વારા આટકોટ પોલીસ મથકે વિધિવત રીતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાઈવે ઉપર અજાણ્યા તત્વો દ્વારા જિલ્લા રોડ એન્ડ સેફ્ટી વિભાગની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે ઓથોરિટી મેળવ્યા વિના હાઈવેના રોડ ડિવાઈડરને તોડી પાડીને ગેરકાયદેસર કટ બનાવવામાં આવ્યા છે, જેના કારણે અંદાજે રૂૂપિયા 60,000 જેટલું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર વીરનગર ગામથી બળધોળ ગામની ધાર સુધીના ખોડીયાર માતાના મંદિર સુધીના સ્ટેટ હાઈવે માર્ગ પર જુદી જુદી જગ્યાએ ડિવાઈડર તોડવામાં આવ્યા હતા. જેમાં બાલાજી એન્ટરપ્રાઈઝ સામે, સહજાનંદ ઝોન-6 ની સામે, અજયરાજ સી.એન.જી. પંપ સામે તેમજ વિરનગર ગામ પહેલા આવેલા રાદડીયા પરિવારના સુરાપુરા દાદાના મંદિર નજીક ડિવાઈડર વચ્ચે ગેરકાયદેસર રીતે કટ મારીને રસ્તો બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ગંભીર બેદરકારીના કારણે ભવિષ્યમાં કોઈ મોટો વાહન અકસ્માત સર્જાય અને નિર્દોષ નાગરિકોની જાનહાનિ થાય તેવી પૂરેપૂરી સંભાવના ઊભી થઈ હતી.

આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી કડક મૌખિક સૂચના બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને કાયદો હાથમાં લેનારા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ અન્વયે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આટકોટ પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 324(4), 324(5) તથા ધ પ્રિવેન્શન ઓફ ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984ની કલમ 3 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મેપાભાઈ ધ્રાંગીયા ચલાવી રહ્યા છે અને આ કૃત્ય પાછળ કયા સ્થાનિક કે વ્યવસાયિક તત્વો સામેલ છે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *