ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ભારે ગંભીર બન્યું છે. ચોમાસા દરમિયાન સંભવિત હોનારત…

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ભારે ગંભીર બન્યું છે.

ચોમાસા દરમિયાન સંભવિત હોનારત કે જાનમાલનું નુકસાન ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ભયજનક અને જર્જરિત મકાનોના માલિકોને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે.

ગામતળ અને હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ પર વિશેષ ફોકસ
આ અંગે વિગતો આપતા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી કુણાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં શહેરની અંદાજે 300 થી 350 જેટલી ભયજનક મિલકતોને નોટિસ પાઠવી દેવામાં આવી છે. જ્યારે અન્ય 400 જેટલી મિલકતોને નોટિસ આપવાની પ્રક્રિયા આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારો, ગામતળ તેમજ હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં જર્જરિત મિલકતોનું પ્રમાણ વધુ હોવાથી તંત્ર દ્વારા ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

સમારકામ નહીં કરાય તો લાઈટ-પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાશે

મનપાના અધિકારીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે પણ મકાન માલિકોને નોટિસ મળી છે, તેમણે વહેલી તકે પોતાના જર્જરિત મકાનનું યોગ્ય સમારકામ કરાવી લેવું અથવા તેને ભયમુક્ત (સુરક્ષિત) કરી લેવું પડશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં મકાનનું સમારકામ કે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો પાલિકા દ્વારા કાયદેસરના કડક પગલાં લેવાશે. જેમાં મિલકતનું વીજ જોડાણ (લાઈટ કનેક્શન), પાણીનું કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તંત્રની નાગરિકોને અપીલ: ‘સાવચેતી એ જ સલામતી’
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય કે કરુણ દુર્ઘટના ન સર્જાય તે માટે જેમના પણ મકાનો જર્જરિત હાલતમાં હોય, તેમણે સત્વરે તેને સુરક્ષિત કરી લેવા. સાવચેતીના ભાગરૂૂપે લેવાયેલું આ પગલું કોઈ મોટી હોનારત અને જાન-માલના નુકસાનને અટકાવવામાં આશીર્વાદરૂૂપ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *