વેરાવળમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ ત્રણ માસથી પગારવિહોણા

વેરાવળ તાલુકામાં નેશનલ હેલ્થ મિશન હેઠળ ના કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર અને આઠ માસથી ઈન્સેન્ટિવ મળ્યું નથી. જેથી કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો…

વેરાવળ તાલુકામાં નેશનલ હેલ્થ મિશન હેઠળ ના કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર અને આઠ માસથી ઈન્સેન્ટિવ મળ્યું નથી. જેથી કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ અંગે તાત્કાલિક ચૂકવણી માટે તાલુકા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

આ અંગે કર્મચારીઓના જણાવ્યા અનુસાર માર્ચ, એપ્રિલ અને મે-2026 ત્રણ મહિનાનો પગાર બાકી છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર-2025 થી એપ્રિલ-2026 સુધીના આઠ મહિનાનું ઈન્સેન્ટિવ પણ ચૂકવાયું નથી. લાંબા સમયથી આ રકમ અટવાઈ જતાં કર્મચારીઓ અને તેમના પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે. નિયમિત આવક બંધ થવાને કારણે ઘરખર્ચ, બાળકોના શિક્ષણ, બેંક લોન ના હપ્તા, તબીબી ખર્ચ અને અન્ય આવશ્યક જરૂૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

સમયસર મહેનતાણું ન મળતાં કર્મચારી વર્ગ માં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. તેઓ NCD સ્ક્રીનિંગ, આરોગ્ય સર્વેક્ષણ, ડેટા મેનેજમેન્ટ અને ઓનલાઈન રિપોર્ટિંગ જેવી કામગીરી નિયમિતપણે કરે છે. આ તમામ કરાર આધારિત કર્મચારીઓ સંયુક્ત રજૂઆત કરીને બાકી પગાર અને ઈન્સેન્ટિવ ની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે અને તા.5 જૂન સુધીમાં આ ચૂકવણી નહીં થાય, તો NCD સહિતના વિવિધ નેશનલ હેલ્થ પ્રોગ્રામ ની ઓનલાઇન કામગીરી બંધ રાખવા અંગે સામૂહિક નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય સેવાઓ સાથે સીધો સંબંધ ધરાવતા આ મુદ્દે હવે તંત્ર શું પગલાં ભરે છે તેના પર કર્મચારીઓની નજર છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો આરોગ્ય વિભાગની વિવિધ ઓનલાઇન કામગીરી અને રિપોર્ટિંગ વ્યવસ્થાને અસર થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *