નીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળું

દેશભરની મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટનું પેપર ફૂટી ગયું. તેના કારણે આખી પરીક્ષા રદ કરીને…

દેશભરની મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટનું પેપર ફૂટી ગયું. તેના કારણે આખી પરીક્ષા રદ કરીને નવેસરથી લેવી પડશે તેનો ડખો ચાલુ જ છે ત્યાં સેન્ટ્રલ બોર્ડ ફોર સેક્ધડરી એજ્યુકેશન સીબીએસઇના બારમા ધોરણની પરીક્ષાનાં પેપર તપાસવામાં થયેલું ભોપાળું બહાર આવ્યું છે. બોર્ડે આ વખતથી પેપર તપાસવા માટે ઓન-સ્ક્રીન માર્કિંગ ઓએસએમ સિસ્ટમ અમલી બનાવી છે પણ તેમાં પહેલા ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થઈ ગયો છે. ઓન-સ્ક્રીન માર્કિંગ ઓએસએમ સિસ્ટમમાં જાત જાતની ગરબડો થઈ તેમાં બારમા ધોરણનું આખું પરિણામ જ શંકાના દાયરામાં આવી ગયું છે.

પહેલાં બોર્ડનાં પેપર તપાસવા હોય તો શિક્ષકોને ઉત્તરવહીનાં બંડલ મોકલાતાં હતાં. બોર્ડને તુક્કો સૂઝયો એટલે ઓન-સ્ક્રીન માર્કિંગ ઓએસએમ શરૂૂ કરાવ્યું તેમાં ઉત્તરવહીઓને સ્કેન કરીને શિક્ષકોને મોકલાય છે. શિક્ષકો ઓનલાઈન ચકાસણી કરે ને માર્ક મૂકે. સ્કેન કરાયેલી ઉત્તરવહીઓ મોકલાઈ તેમાંથી હજારો ઝાંખી હતી કેમ કે યોગ્ય રીતે સ્કેન નહોતી કરાઈ. ઘણી ઉત્તરવહીઓમાં લખાણ કપાતું હતું કેમ કે સરખી રીતે ક્રોપ નહોતી કરાઈ. વિદ્યાર્થીઓએ આન્સર શીટ (ઉત્તરવહી) ની ફોટોકોપીમાંથી કેટલાક પાનાં ગાયબ હોવાની ફરિયાદ પણ કરી છે.

આ રામકથાની વચ્ચે એવી વાત બહાર આવી છે કે, સીબીએસઈના પુન:મૂલ્યાંકન (રી-ઇવેલ્યુએશન) પોર્ટલની પેમેન્ટ સિસ્ટમ પર ’સાઇબર એટેક’ થયો હતો અને 50 વિદ્યાર્થીઓએ પોર્ટલ હેક કરી લીધું હતું. તેના કારણે સીબીએસઈ (સીબીએસઇ) પોર્ટલ પર આન્સરશીટની ફોટોકોપી મેળવવા માટેની અરજી ફી અલગ-અલગ દેખાવા લાગી હતી. સીબીએસઈએ ફી 700 રૂૂપિયાથી ઘટાડીને 100 રૂૂપિયા કરી નાખેલી તેથી બધે સરખી ફી દેખાવી જોઈએ પણ ક્યાંક ફી એક રૂૂપિયો દેખાતી હતી તો ક્યાંક 68,0000 રૂૂપિયા દેખાતી હતી. ફીમાં પાછો વધારો ઘટાડો પણ થયા કરતો હતો. આ બધાથી અલિપ્ત આપણી કેન્દ્ર સરકાર કશું ના બન્યું હોય એમ વર્તવામાં વ્યસ્ત છે. ઓન-સ્ક્રીન માર્કિંગ (ઓએસએમ) સિસ્ટમનો કોન્ટ્રાક્ટ હૈદરાબાદની ખાનગી આઈટી કંપની કોએમ્પ્ટ એજ્યુટેકને અપાયો છે.

કેન્દ્ર સરકારે ગરબડ મુદ્દે સરકારી રાહે રિપોર્ટ માગ્યો છે પણ કંપની સામે હજુ લગી તો કોઈ પગલાં લીધાં નથી કે આટલા મોટા પાયે ગોબાચારી છતાં કોઈ દંડ પણ ફટકાર્યો નથી. સીબીએસઈના ઓએસએમ અને રીવેલ્યુએશનના ભવાડાએ બે વાત સાબિત કરી છે. પહેલી વાત એ કે, આપણે ડિજિટલ ઈન્ડિયાની -મોટી મોટી વાતો કરીએ છીએ પણ હજુય આપણે પછાત દેશ છીએ. બીજી વાત એ કે, આ દેશમાં મહેનત કરીને તૂટી જતા વિદ્યાર્થીઓની મહેનતની કોઈ કદર નથી. લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરનારા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોને ખરેખર તો આરબ દેશોના ન્યાયની જેમ જાહેરમાં ચાબૂકથી સટાકા મારવા જોઈએ પણ તેમને કશું થતું નથી. કોઈ પણ પરીક્ષા આપો પણ તેનાં પરિણામો શંકાથી પર હોતાં નથી તેથી મહેનત કરનારો આપણો દીકરો કે દીકરી સતત ટેન્શનમાં જીવ્યા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *