ગુજરાત કેડરના વરિષ્ઠ IPS અધિકારી રાજીવ રંજન ભગતની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની એપોઇન્ટમેન્ટ્સ કમિટીએ (ACC) તેમની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, કેબિનેટ સચિવાલયના સચિવ (સિક્યુરિટી) કાર્યાલય દ્વારા મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેના આધારે રાજીવ રંજન ભગતને SPG માં ADG પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આદેશ મુજબ, તેઓ પદનો ચાર્જ સંભાળે તે તારીખથી લઈને 20 મે, 2027 સુધી આ જવાબદારી નિભાવશે. તેમની નિમણૂક માટે હાલમાં તેઓ જે પદ પર કાર્યરત છે તેને વ્યક્તિગત ધોરણે તાત્કાલિક ADG સ્તરે અપગ્રેડ કરવામાં આવ્યું છે. રાજીવ રંજન ભગત ગુજરાત કેડરના 1998 બેચના IPS અધિકારી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂકેલા ભગત હવે દેશના વડાપ્રધાન સહિત SPG સુરક્ષા હેઠળ આવતાં અતિ મહત્ત્વના વ્યક્તિઓની સુરક્ષા માટે જવાબદાર દળમાં ઉચ્ચ પદ પર ફરજ બજાવશે.
SPG દેશની સૌથી વિશિષ્ટ સુરક્ષા એજન્સીઓમાંની એક ગણાય છે. આવી એજન્સીમાં ગુજરાત કેડરના અધિકારીને ADG સ્તરની જવાબદારી મળતા રાજ્યના પોલીસ તંત્ર માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.
