TMCમાં ભંગાણ, મમતાએ બોલાવેલી બેઠકમાં 80માંથી માત્ર 20 જ ધારાસભ્યોની હાજરી

પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભત્રીજા અભિષેક બેનર્જી અને…

પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભત્રીજા અભિષેક બેનર્જી અને પાર્ટીના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલા બાદ મમતા બેનર્જીએ પાર્ટીના ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવી હતી. મમતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બેઠક મળી હતી, પરંતુ આ બેઠકના જે આંકડા સામે આવ્યા છે તેણે બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

ટીએમસીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 20 ધારાસભ્યો જ આ બેઠકમાં પહોંચ્યા હતા. બાકીના 60 ધારાસભ્યોની ગેરહાજરીને પગલે હવે તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક ભંગાણની અટકળોએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ગેરહાજર રહેલા ધારાસભ્યો સત્તાધારી પક્ષના સંપર્કમાં હોઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી ટીએમસી કે ભાજપના કોઈ મોટા નેતાએ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ધારાસભ્યોની ઓછી સંખ્યાને કારણે ફેલાયેલી અટકળો વચ્ચે, બેલેઘાટાના ધારાસભ્ય કુણાલ ઘોષ મમતા બેનર્જીના ઘરની બહાર આવ્યા હતા અને પાર્ટીમાં ’એકતા’ હોવાનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મોટાભાગના ધારાસભ્યો પોતપોતાના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોમાં વ્યસ્ત હોવાથી આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકમાં કુણાલ ઘોષ ઉપરાંત શોભનદેવ ચેટર્જી, મદન મિત્રા, નયના બેનર્જી, અશોક કુમાર દેબ અને બિમન બેનર્જી જેવા માત્ર વરિષ્ઠ નેતાઓ જ એક પછી એક પહોંચ્યા હતા અને આ સંખ્યા 20 પર જ અટકી ગઈ હતી.

પાર્ટી દ્વારા આગામી રણનીતિની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, 2 જૂને મમતા બેનર્જી પોતે અભિષેક બેનર્જી પર થયેલા હુમલા અને રાની રાશમણિ રોડ પરથી ફેરિયાઓને હટાવવાના મુદ્દે એક દિવસીય ધરણા પર બેસશે. પશ્ચિમ બંગાળના રાજકીય વિશ્ર્લેષકોના મતે, સત્તા ગયા બાદ ટૂંકા સમયમાં જ ધારાસભ્યોની આ પ્રકારની ગેરહાજરી મમતા બેનર્જી માટે આગામી સમયમાં મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *