માંડવી તાલુકાના દરશડી ગામની વાડી પર રહેતા 42 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ વડોદરાના અને હાલ દરશડી ગામની વાડી પર રહેતા 42 વર્ષીય જ્યોત્સનાબેન બુધાભાઈ નાયકાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતુ.બનાવ શુક્રવારે સવારે છ વાગ્યાના અરસામાં બન્યો હતો.
જેમાં હતભાગી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.બનાવ બાદ તેમને ગઢશીશા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.હતભાગી મહિલાની દીકરીએ 6 મહિના અગાઉ કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
દીકરીના મોતના આઘાતમાં ગરકાવ થયેલા માતા છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા.એ દરમિયાન દીકરીના વિયોગમાં પોતે પણ ઝેરી દવા પી લઇ મોતને વ્હાલું કરી લીધું હતું. હાલ સમગ્ર મામલે ગઢશીશા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. દીકરી બાદ માતાના આપઘાતના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યો છે.
