નર્સિંગ ફિઝિયો સહિત 9 પેરા મેડિકલ કોર્સની 56754 બેઠકો માટે કાલથી રજિસ્ટ્રેશન

13મી જૂન સુધી ડોકયુમેન્ટ વેરિફીકેશન કરાવી શકાશે : નવી નર્સિંગ કોલેજો માટે 200 અરજીઓ મળતા બેઠકોમાં થશે વધારો મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પેપર લીક…

13મી જૂન સુધી ડોકયુમેન્ટ વેરિફીકેશન કરાવી શકાશે : નવી નર્સિંગ કોલેજો માટે 200 અરજીઓ મળતા બેઠકોમાં થશે વધારો

મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પેપર લીક થવાના કારણે હવે આગામી માસમાં નવેસરથી નીટ લેવાની છે ત્યારે મેડિકલના કારણે અન્ય કોર્સમાં પ્રવેશ માટે પણ ભારે વિલંબ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. સામાન્ય રીતે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પછી જ પેરા મેડિકલની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ચાલુવર્ષે ઉભી થયેલી પરિસ્થિતિમાં મેડિકલ પ્રવેશના રાહ જોવામાં આવે તો ભારે વિલંબ થાય તેમ હોવાથી હાલ પુરતું રજિસ્ટ્રેશનની જાહેરાત કરી દેવામાં આવી છે.

પેરા મેડિકલના કાર્યક્ષેત્રમાં આવતાં બીએસસી નર્સિંગ, બી.ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ,બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, બી.એ.એસએલપી અને બી.નેચરોપથી સહિતના કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ 29મીથી 12મી જૂન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. મહત્વની વાત એ કે, રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ આજ દિવસોમાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન ડોક્યુમેન્ટ જમા કરાવીને 13મી જૂન સુધીમાં હેલ્પસેન્ટરમાં જઇને ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, રજિસ્ટ્રેશન પૂર્ણ થાય તે દરમિયાન પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું પરિણામ આવે તો તેમના માટે નવેસરથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ કે, આ તમામ પ્રક્રિયા દરમિયાન મેડિકલ માટે લેવાયેલી નીટનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો સૌથી પહેલા મેડિકલમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં આવશે.

મેડિકલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેરા મેડિકલના કોર્સ માટેની પ્રક્રિયા શરૂૂ કરાશે. એટલે કે રજિસ્ટ્રેશન પછી પણ પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂૂ થશે તે નક્કી નથી. વિદ્યાર્થીઓએ પીન ખરીદીને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નજીકના હેલ્પ સેન્ટરમાં જવાનું રહેશે. આ માટે વિદ્યાર્થીઓએ અગાઉથી એપોઇમેન્ટ લેવાની રહેશે. રાજ્યમાં કુલ 145 હેલ્પસેન્ટરને પ્રવેશ સમિતિ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મંજૂરી આપવામાં આવી છે. આ તમામ હેલ્પ સેન્ટરની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

રાજ્યમાં નવી નર્સિંગ કોલેજો શરૂૂ કરવા વિવિધ સંસ્થા પાસેથી 21 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ હતી. સૂત્રો કહે છે કે, અરજી મંગાવવાની મુદત પુરી થઇ ચુકી છે. અત્યાર સુધીમાં 200થી વધારે અરજી આવી છે.આગામી દિવસોમાં આ અરજીઓની ચકાસણી બાદ નવી કોલેજને મંજૂરી આપવાની પ્રક્રિયા કરાશે.
જેના કારણે નર્સિંગમાં હાલમાં ત્રણે કોર્સમાં મળીને 50,930 બેઠકો ઉપલબ્ધ છે તેમાં પણ વધારો થશે.

ફિઝિયોથેરાપી સહિતના ચાર કોર્સમાં પ્રવેશ થિયરી-પ્રેક્ટિલના 50% જરૂરી
પ્રવેશના નિયમોમાં કરાયેલા ફેરફાર પ્રમાણે ચાલુ વર્ષે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ, ઓપ્ટોમેટ્રી, ઓડિયોલોજી સહિતના કોર્સમાં પ્રવેશ માટે અગાઉ ધો.12 પાસના બદલે હવે ધો.12માં થિયરી અને પ્રેક્ટિકલમાં 50 ટકા માર્કસ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ નિર્ણયના કારણે અનેક બેઠકો ખાલી રહેવાની પણ શકયતાં છે. અગાઉ આ કોર્સમાં પ્રવેશ માટે નીટ લાગુ કરવામાં આવી હતી પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની નીટ લઇ શકાય તેમ ન હોવાથી આખરે નીટ દૂર કરીને ધો.12માં 50 ટકા ફરજિયાત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *