ભારતમાં ફિફા વર્લ્ડ કપની મેચો જોવા મળવા અંગે હજુ અવઢવ

દર ચાર વર્ષે યોજાતા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપને માંડ 15 દિવસ બાકી છે ત્યારે ભારતના અસંખ્ય સોકરપ્રેમીઓમાં એવી ચિંતા છે કે આ મેગા ટૂર્નામેન્ટની મેચો…

દર ચાર વર્ષે યોજાતા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપને માંડ 15 દિવસ બાકી છે ત્યારે ભારતના અસંખ્ય સોકરપ્રેમીઓમાં એવી ચિંતા છે કે આ મેગા ટૂર્નામેન્ટની મેચો ટીવી પર જોવા મળશે કે નહીં? ભારતમાં હજી સુધી ફિફા પાસેથી બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ મેળવવામાં ન આવ્યા હોવાથી લોકોમાં આ ચિંતા જેમ જેમ વિશ્વ કપ નજીક આવતો જાય છે એમ એમ વધી રહી છે.

જોકે એક આનંદના સમાચાર એ છે કે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીઝના અધિકારીઓ ભારતમાં પ્રસારણ માટેના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ મેળવવા ફિફાના સત્તાવાળાઓ સાથે મંત્રણા કરી રહ્યા છે. જો આ મંત્રણા સફળ થશે તો ભારતમાં ફિફા વર્લ્ડ કપની મેચો પ્રસારિત કરવા સંબંધમાં મૂંઝવણો દૂર થઈ જશે.

11મી જૂને શરૂૂ થનારો ફિફા વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાશે. આ વખતે પહેલી જ વખત 48 દેશ ભાગ લેશે. દૂરદર્શન આ વિશ્વ કપની નોકઆઉટ સહિતની મુખ્ય મેચોના પ્રસારણના હકો મેળવી લેશે એવી સંભાવના વચ્ચે એવા સમાચાર પણ મળ્યા છે કે ઝી એન્ટરટેઇનમેન્ટ દ્વારા ‘યુનાઇટ-8 સ્પોર્ટ્સ’ નામની નવી સ્પોર્ટ્સ ચેનલ શરૂૂ કરવામાં આવી રહી છે અને એના પર ફિફા વર્લ્ડ કપની મેચો પ્રસારિત કરવાની કંપનીની યોજના હોવાનું જાણવા મળ્યું છે.

રોઇટર્સ સમાચાર સંસ્થાના એક અહેવાલ અનુસાર ફિફાએ અંદાજે 100 મિલિયન ડોલર (આશરે 958 કરોડ રૂૂપિયા)માં અગાઉ ભારતમાં મીડિયા રાઇટ્સ મેળવવાની આશા રાખી હતી. એમાં ફિફા 2026ના તેમ જ 2030ના ફૂટબોલ વર્લ્ડ કપની મેચો બતાવવા માગતી હતી. જોકે કોઈ કંપની આગળ ન આવતાં ફિફાએ એ ડીલ માટેનો આંકડો ઘટાડીને 60 મિલિયન ડોલર (575 કરોડ રૂૂપિયા) કર્યો હતો.

કહેવાય છે કે રિલાયન્સ-ડિઝની વેન્ચરે 20 મિલિયન ડોલર (192 કરોડ રૂૂપિયા)ની ઑફર કરી હતી. જોકે ઝી એન્ટરટેઇનમેન્ટના બિડ રિલાયન્સની કથિત ઑફરથી ઘણા ઊંચા હોવાનું મનાય છે. અગાઉ જાપાનના સોની ગ્રૂપ કોર્પોરેશને પણ ભારતમાં પ્રસારણ માટે ડીલ કરવાનો વિચાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *