ભાવનગરના કુંભારવાડામાં PGVCLના ધાંધિયા, અનેક ઘરમાં પંખા-મોટર-ફ્રીજ બળી ગયા

વારંવાર શોર્ટ સર્કીટ અને લો-વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રસ્ત ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક રહિશોમાં…

વારંવાર શોર્ટ સર્કીટ અને લો-વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રસ્ત

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે. મહાલક્ષ્મી મિલની ચાલી વિસ્તારમાં વીજ લાઇનમાં વારંવાર સર્જાતા શોર્ટ સર્કિટ તેમજ વોલ્ટેજની સતત વધઘટના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વીજ પુરવઠાની અનિયમિતતા લોકો માટે વધુ મુશ્કેલીજનક બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર થતા પાવર ફ્લક્ચ્યુએશનના કારણે અનેક ઘરોમાં ટીવી, ફ્રિજ, પાણીની મોટર, પંપ તેમજ એલઇડી લાઇટો જેવા કિંમતી વીજ ઉપકરણો બળી ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મુશ્કેલીના સમયે રહિશોએ PGVCL કચેરીનો સંપર્ક કરી રજૂઆતો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાબદાર અધિકારીઓએ યોગ્ય પ્રતિસાદ આપવાના બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો થયા છે. અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવી રહ્યો નથી તેવી લોકોમાં લાગણી વ્યાપી છે.

સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ ઉનાળાની અસહ્ય ગરમી અને બીજી તરફ વીજળીના ધાંધિયાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. વિસ્તારમાં વારંવાર સર્જાતી આવી ઘટનાઓને અટકાવવા PGVCLના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ કરે અને લટકતા તેમજ જોખમી વીજ વાયરોનું તાત્કાલિક સમારકામ કરી કાયમી ઉકેલ લાવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *