ભાવનગરમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. કલ્પના ચૌહાણને RDD પદેથી હટાવાયા

ભાવનગર સહિત પાંચ જિલ્લાની આરોગ્યલક્ષી અને સરકારી યોજનાના અમલીકરણની કામગીરી ભાવનગર બહુમાળી ભવન ખાતેની આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગીય નાયબ નિયામક કચેરીમાંથી થાય છે. ગત…

ભાવનગર સહિત પાંચ જિલ્લાની આરોગ્યલક્ષી અને સરકારી યોજનાના અમલીકરણની કામગીરી ભાવનગર બહુમાળી ભવન ખાતેની આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગીય નાયબ નિયામક કચેરીમાંથી થાય છે. ગત 9મી જાન્યુઆરી-2026ના રોજ આરોગ્ય અને તબીબી સેવાઓ ભાવનગર કચેરીના ઇન્ચાર્જ રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર (RDD) તરીકે ફરજ બજાવતા ડો.હરેશકુમાર વાળા પાસેથી ચાર્જ લઈ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો.કલ્પના ચૌહાણને સોંપવામાં આવ્યો હતો.

જો કે, ડો.કલ્પના ચૌહાણના ચાર મહિનાના કાર્યકાળ દરમિયાન સામાન્ય જનતા અને પદાધિકારીઓના ફોન ન ઉપાડવા સહિતની થોકબંધ ફરિયાદો ઉઠી હતી.5 જિલ્લાની 60થી વધુ નાની-મોટી સરકારી હોસ્પિટલોના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સામે વ્યાપક ફરિયાદો ઉઠતા આખરે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. વિભાગે ડો.કલ્પના ચૌહાણ પાસેથી ઇન્ચાર્જ રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટરનો ચાર્જ તાત્કાલિક અસરથી આંચકી લીધો છે અને ફરી એકવાર આ મહત્વનો ચાર્જ ડો.હરેશકુમાર વાળાને સોંપી દીધો છે.

આરોગ્ય અને તબીબી સેવાઓ ભાવનગર કચેરીના ઇન્ચાર્જ રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ડો.કલ્પના ચૌહાણે ચાર્જ સંભાળ્યાના નવમા જ દિવસે ’લડંગે જીતેંગે’ના હેશટેગ સાથે સામાજિક કાર્યકર તેમજ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયના સોશિયલ મીડિયા પેજ પર કચેરીનો સહી અને તારીખ વિનાનો એક પત્ર વહેતો થયો હતો. આ પત્રમાં મહિલા આરોગ્ય અધિકારી ડો.કલ્પના ચૌહાણની કામગીરીના ગુણગાન ગાવામાં આવ્યા હતા. એક સરકારી કચેરીનો સત્તાવાર પત્ર, જે ખુદ કચેરીમાં કામ કરતા નીચેના વર્ગના કર્મચારીઓને પણ બતાવવામાં આવતો નથી, તે આ પ્રકારે જાહેરમાં સોશિયલ મીડિયામાં વહેતો થવાની બાબતને પણ આરોગ્ય વિભાગે ગંભીરતાથી ધ્યાને લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *