પૂર્વ કેબિનેટ મંત્રીના લીંબુડા ગામે 300 વીઘા ગૌચર પર અવૈધ કબજો, પાણીની તંગી: ગ્રામજનોમાં રોષ

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી રતિભાઈ સુરેજાના વતન અને માણાવદર તાલુકાના મુખ્ય એવા લીંબુડા ગામમાં પાયાની સુવિધાઓના અભાવના ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે,જેમાં…

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી રતિભાઈ સુરેજાના વતન અને માણાવદર તાલુકાના મુખ્ય એવા લીંબુડા ગામમાં પાયાની સુવિધાઓના અભાવના ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે,જેમાં ખરાબ રોડ રસ્તા ગટર,પીવાનું પાણી,પેશકદમી,ગૌચરની જમીનમાં ભૂમાફીઆઓનું સામ્રાજય અને ભ્રષ્ટાચારના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

વર્ષોથી વિકાસની રાહ જોતું આ ગામ આજે વહીવટી તંત્રની ઉદાસીનતા અને સ્થાનિક રાજકારણને કારણે અસુવિધાઓનું કેન્દ્ર બન્યું છે. ગામની આ દુર્દશાથી કંટાળીને ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર પત્રિકાઓ વાયરલ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે, કારણ કે જૂનાગઢથી લઈને ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓને અસંખ્ય લેખિત અને મૌખિક રજૂઆતો તેમજ ’સ્વાગત’ કાર્યક્રમોમાં પ્રશ્નો ઉઠાવવા છતાં વહીવટી તંત્ર તરફથી માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે.

ગામની આ વિકટ સ્થિતિ અંગે લીંબુડા ગામના સરપંચ વિહાભાઈ વિખાભાઈ કોડિયાતરે ભારે આક્રોશ સાથે જણાવ્યું છે કે, ગામમાં પીવાના મીઠા પાણીનો પ્રશ્ન અતિશય ગંભીર છે અને નર્મદા યોજનાની પાઇપલાઇન હોવા છતાં લોકોને પૂરતું પાણી મળતું નથી. આ સાથે જ ગામને જોડતા મુખ્ય રસ્તાઓ, ખાસ કરીને પાજોદ રોડ અને સરાડીયા રોડ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસા દરમિયાન ત્યાં એટલું પાણી ભરાઈ જાય છે કે કોઈ વ્યક્તિ પસાર પણ થઈ શકતી નથી, જે અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવવા છતાં તંત્ર હજુ સુધી કોઈ ઉકેલ લાવી શક્યું નથી.

ગામના માજી સરપંચ પરસોત્તમભાઈ રબારાએ વહીવટી તંત્રની પોલ ખોલતા જણાવ્યું છે કે, ગામનો મુખ્ય પ્રશ્ન ગૌચરની જમીનનો છે, જેમાં આશરે 300 વીઘા જેટલી કિંમતી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ કે અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી લેવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી લાખોના ખર્ચે બનેલો પાણીનો મોટો ટાંકો માત્ર કનેક્શનના અભાવે ધૂળ ખાઈ રહ્યો છે અને સરકારી ખર્ચે થયેલો આ બિનઉપયોગી ખર્ચ પાણીની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યો છે.

આ ગંભીર કૌભાંડ અંગે લીંબુડા ગામના રહીશ પસાભાઈ કોડીયાતરે સીધો આક્ષેપ કર્યો છે કે, તળાવ અને તેની આસપાસની ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખોદકામ કરીને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેઓ બધું જ ખોદીને ખાઈ ગયા છે. ખોદકામને કારણે માલધારી સમાજ માટે પશુઓને ચરાવવાનો અને પાણી પીવડાવવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેના વિરોધમાં માત્ર માલધારીઓ જ નહીં પરંતુ આખું ગામ એક થઈને ન્યાયની માંગ કરી રહ્યું છે, તેમ છતાં જૂનાગઢથી ગાંધીનગર સુધી કરાયેલી અસંખ્ય અરજીઓ પર તંત્ર ઉદાસીન રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *