પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યભરની તમામ સરકારી શાળાઓ તેમજ તમામ સરકારી સહાય પ્રાપ્ત મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. .આ નિર્ણય બાદ રાજ્યની રાજનીતિમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, સરકારી તેમજ સરકારી સહાય મેળવનારી બિન-સરકારી મદરેસાઓમાં દરરોજ પ્રાર્થના દરમિયાન દરેક વિદ્યાર્થી અને સ્ટાફ માટે “વંદે માતરમ” ગાવું જરૂરી રહેશે. સરકારનું માનવું છે કે આ પગલું રાષ્ટ્રભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
પશ્ચિમ બંગાળ મદરેસા શિક્ષણ નિયામક દ્વારા આ બાબતે એક આદેશ જારી કરવામાં આવ્યો છે. સત્તાવાર આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, અગાઉના તમામ નિયમો અને પ્રથાઓને રદ કરીને, આ નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ નવો નિયમ પશ્ચિમ બંગાળના તમામ પ્રકારના મદરેસાઓ પર સમાન રીતે લાગુ થશે. જેમાં રાજ્યની તમામ સરકારી મોડલ મદરેસા (ઇંગ્લિશ મીડિયમ), માન્યતા પ્રાપ્ત સરકારી સહાયતા મેળવતી મદરેસાઓ, અપ્રૂવ્ડ MSK, અપ્રૂવ્ડ SSK તેમજ માન્યતા પ્રાપ્ત ગેર-સહાયિત (પ્રાઇવેટ) મદરેસાઓનો સમાવેશ થાય છે.
આ પહેલા, 13 મેની સાંજે, પશ્ચિમ બંગાળ શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત બનાવતું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. 14 મેના રોજ, રાજ્યના નવા અને નવમા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શિક્ષણ વિભાગ તરફથી આ સૂચના તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
