25 લાખ શિક્ષકો પર જોખમ, TET પાસ ન કરી તો આપવું પડશે રાજીનામું

દેશભરના લાખો શિક્ષકો માટે હવે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણી બાદ સ્પષ્ટ સંકેત મળ્યા…

દેશભરના લાખો શિક્ષકો માટે હવે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણી બાદ સ્પષ્ટ સંકેત મળ્યા છે કે TET પાસ કર્યા વિના નોકરી કરતા શિક્ષકોને હવે સહેલાઈથી રાહત નહીં મળે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર નોકરી બચાવવાની ચિંતા કરવી યોગ્ય નથી, બાળકોને સારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દેશના તમામ શાળાઓમાં ધોરણ 1થી 8 સુધી શિક્ષણ આપતા શિક્ષકોને બે વર્ષની અંદર TET પાસ કરવું ફરજિયાત રહેશે. જો કોઈ શિક્ષક નિર્ધારિત સમયગાળા દરમિયાન TET પાસ નહીં કરી શકે, તો તેની નોકરી પર અસર પડી શકે છે. આ નિર્ણય સામે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને અન્ય રાજ્યો દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. ઘણા શિક્ષક સંગઠનો પણ કોર્ટ પાસે રાહત માંગવા પહોંચ્યા હતા.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે શિક્ષકોએ માત્ર પોતાની નોકરીની સુરક્ષા વિશે નહીં, પણ બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારવું જોઈએ, જેમને સારા શિક્ષણની જરૂૂર છે. સુનાવણી કરતી બેંચના અધ્યક્ષ જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે શિક્ષણનો અધિકાર કાયદો બાળકોના હિત માટે બનાવાયો છે. તેથી શિક્ષકોની ન્યૂનતમ લાયકાત સુનિશ્ચિત કરવી જરૂૂરી છે.

દેશના અનેક રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં લગભગ 25 લાખથી વધુ એવા શિક્ષકો છે, જે વર્ષોથી TET પાસ કર્યા વિના શિક્ષણ આપી રહ્યા છે. હવે તેમને સપ્ટેમ્બર 2025ના નિર્ણય પછી બે વર્ષની અંદર TET પાસ કરવું ફરજિયાત રહેશે. જો શિક્ષકો આવું નહીં કરી શકે, તો તેમને નોકરી છોડવી પડી શકે છે અથવા ફરજિયાત નિવૃત્તિનો સામનો કરવો પડી શકે છે. જોકે, જેમના નોકરીમાં માત્ર 5 વર્ષ બાકી છે, તેમને થોડી રાહત આપવામાં આવી છે. પણ પ્રમોશન માટે તેમને પણ TET પાસ કરવું ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી પુનર્વિચાર અરજી પર નિર્ણય રિઝર્વ રાખ્યો છે. હવે લાખો શિક્ષકોની નજર કોર્ટે આપનારા અંતિમ નિર્ણય પર ટકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *