ભારતમાં રખડતાં કૂતરાંના મુદ્દે લાંબા સમયથી ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે બહુ મોટો ચુકાદો આપીને ખતરનાક અને બીમાર રખડતાં કૂતરાંને ઇન્જેક્શન આપીને મારવાની મંજૂરી આપી દીધી. સુપ્રીમ કોર્ટે પહેલાં રખડતાં કૂતરાંને જાહેર સ્થળેથી ખસેડવા ફરમાન કરેલું. તેના કારણે જીવદયા પ્રેમીઓને માઠું લાગી ગયેલું ને તેમણે કૂતરાં તરફ દયાભાવ બતાવવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓને ફગાવી તો દીધી જ પણ પહેલાં કરતાં પણ વધારે આકરું વલણ લઈને કહ્યું છે કે, રખડતાં કૂતરાંના કારણે લોકોના જીવ પર ખતરો છે એ જોતાં ખતરનાક કૂતરાંને મારી નાખવામાં કશું ખોટું નથી. સુપ્રીમ કોર્ટનો આદેશ યોગ્ય છે કેમ કે કૂતરાંનો ત્રાસ વધી રહ્યો છે.
રસ્તે રઝળતાં કૂતરાં નાનાં બાળકોને પણ છોડતાં નથી. કૂતરાં કરડવાના કારણે બાળકોનાં મોત થયાના કિસ્સા પણ નોંધાયા છે. 2024માં આખા દેશમાં 37 લાખ લોકોને કૂતરાં કરડી ગયેલાં એ જોતાં કૂતરાં આતંકી જ બની ગયાં છે. સુપ્રીમ કોર્ટનો આદેશ ભારતમાં જીવદયાના નામે ચાલતા તૂતને મોટી લપડાક છે તેથી પણ આ ચુકાદો મહત્ત્વનો છે. જીવદયા સારો વિચાર છે પણ માણસોના જીવનના ભોગે જીવદયા ના બતાવી શકાય, માણસના અસ્તિત્વને ખતરામાં મૂકે એવી જીવદયા ના ચાલે.
આ વાત થોડી સ્વાર્થથી ભરેલી લાગશે પણ અસ્તિત્વની વાત આવે ત્યારે માણસે સ્વાર્થી બનવું જ પડે. કૂતરાં કે બીજાં પ્રાણી માણસોને મારી નાખે ને સામે કશું ના કરી શકાય એવી જીવદયા જરાય સારો વિચાર નથી. માનો કે, જીવદયા બતાવીને પશુઓની કતલ ના થાય તો આ પશુઓને રાખવાં ક્યાં ને તેમને ખવડાવવું શું? આપણે ગાયને માતા ગણીએ છીએ પણ રસ્તે રઝળતી ગાયોના રહેવાની ને ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી ત્યાં બધાં પ્રાણીઓની વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ? ભારતમાં દરરોજ 85 લાખ જમીન પરનાં પશુઓની કતલ થાય છે ને વરસે 312 કરોડ પશુઓ કપાય છે. આમાં માછલીઓ કે બીજાં પાણીમાં રહેતાં પશુઓની તો ગણતરી જ કરી નથી.
હવે તેમાંથી દસમા ભાગનાં પશુ જ જીવતાં રહે તો શું થાય? આપણાં ખેતરોમાં ભેલાણ કરીને માણસો માટેનું અનાજ ખાઈ જાય ને પછી એ બધું બહાર કાઢીને આ દેશને ઉકરડો બનાવી દે. જીવદયાના ઝંડાધારીઓએ વાસ્તવવાદી બનવાની જરૂૂર છે. દુનિયા સિદ્ધાંતો પર નથી ચાલતી પણ તાકાત પર ચાલે છે. માણસો હથિયારો વાપરી શકે છે, મશીનો વાપરી શકે છે એ તેમની તાકાત છે. આતાકાતને જરે માણસો પશુઓને ખાઈ શકે છે ને દુનિયાનું સંતુલન જળવાય છે. બાકી માણસ જીવદયા બતાવીને હથિયારો ને મશીનોને બાજુ પર મૂકી દે તો પશુઓ જ માણસને ખાઈ જાય.
