તમામ મોટા એરપોર્ટ, બંદરો પર ચેકિંગ શરૂ, પુનામાં લેબ તૈયાર
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઇબોલા વાયરસના એક નવા પ્રકારને ગ્લોબલ ઇમરજન્સી (વૈશ્વિક કટોકટી) જાહેર કરવામાં આવ્યા બાદ ભારત સરકાર પણ એકદમ સતર્ક થઈ ગઈ છે. આફ્રિકન દેશો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં આ ખતરનાક વાયરસનો પ્રકોપ જોવા મળ્યા બાદ, ભારતના તમામ મોટા એરપોર્ટ અને બંદરો પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સઘન ચેકિંગ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.
જોકે, સૌથી મોટી રાહતની વાત એ છે કે ભારતમાં હજુ સુધી આ નવા ઇબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાં, સરકારે આગોતરા પગલાં રૂૂપે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે સંકલન વધારી દીધું છે. આરોગ્ય મંત્રાલય આ વાયરસને લઈને કોઈ પણ જાતનું જોખમ લેવા માંગતું નથી. હાલમાં જ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, ICMR અને અન્ય સંબંધિત સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓએ આખી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ખાસ બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં દેશમાં પબ્લિક હેલ્થ સિસ્ટમને વધુ મજબૂત કરવા અને કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં અત્યાર સુધી ઇબોલાના નવા ’બુંદીબુગ્યો’ સ્ટ્રેનનો કોઈ જ કેસ સામે આવ્યો નથી, એટલે દેશ માટે હાલમાં જોખમ નહિવત છે. છતાં સાવચેતીના ભાગરૂૂપે, કોઈપણ શંકાસ્પદ દર્દીની તરત જ ઓળખ થઈ શકે તે માટે દેશમાં એન્ટ્રી પોઈન્ટ્સ (એરપોર્ટ અને દરિયાઈ બંદરો) પર નજર કડક કરવામાં આવી છે.
રોગને પારખવા અને ટેસ્ટિંગની ક્ષમતા વધારવા માટે નવી ગાઈડલાઈન્સ (SOPs) તૈયાર કરવામાં આવી છે. વાયરસના ટેસ્ટિંગ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ને ખાસ જવાબદારી સોંપાઈ છે, અને ધીમે ધીમે બીજી લેબોરેટરીઓને પણ આ કામગીરી માટે તૈયાર કરવામાં આવી રહી છે.
કાંગોથી મળનારી રિપોર્ટમાં આઉટબ્રેકથી અંદાજે 100 લોકોના મૃત્યું થયા છે. તેમજ લેબ ટેસ્ટિંગમાં 8 કેસની પુષ્ટિ થઈ છે. સુત્રોનું કહેવું છે કે, તૈયારીના મુખ્ય ઉપાયોમાં સ્ક્રીનિંગ,સર્વિલાન્સ, ક્વારન્ટાઈન અને કેસ મેનેજમેન્ટ માટે એસઓપીએસનો રિવ્યુ કરી અને મોટા એરપોર્ટ તેમજ બંદર પર આઈસોલેશન અને ક્વારન્ટાઈનની સુવિધા સામેલ છે.
ઈબોલા એક ખતરનાક બીમારી છે. જે માણસ અને જાનવર બંન્નેને સંક્રમિત કરી શકે છે. આ વાયરસ પહેલી વખત વર્ષ 1976માં આફ્રિકાના કાંગો વિસ્તારમાં જોવા મળ્યો હતો. તેનું નામ ઈબોલા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ બીમારી શરીરની અંદર ગંભીર સંક્રમણ ઉભું કરે છે અને કેટલાક કેસમાં જાનલેવા પણ સાબિત થઈ શકે છે.
