હવામાન વિભાગની આગાહી, વાતાવરણમાં આવશે ફરી પલટો : તાપમાન ઘટશે પરંતુ ભેજનું પ્રમાણ વધુ રહેવાથી બફારો વધે તેવી વકી
હાલ હવામાનમાં અચાનક વધારો અને ઘટાડો થતી ઘટના સતત વધી રહી છે . ગુરુવારે ભાવનગર 45.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયો હતો ત્યારે અચાનક શુક્રવારે એટલે કે ગઈકાલે મહત્તમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો અને લોકોએ રાહતની અનુભૂતિ કરી હતી. આશરે ની વાત તો એ છે કે હવે વાતાવરણમાં એ હદે પલટા આવી રહ્યા છે કે એક જ દિવસમાં પાંચથી છ ડિગ્રીનો વધારો નોંધાય અથવા તો પાંચથી છ ડિગ્રીનો ઘટાડો નોંધાય. ગઈકાલે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ પ્રમાણે વાતાવરણમાં ફરી એક વખત પલટો આવશે. 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે, તાપમાન ઘટવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ઉકળાટ અને બફારામાં વધારો થશે, જેથી લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે.
ગુજરાતમાં અત્યારે ઉનાળો પોતાની ચરમસીમા પર છે જોકે, રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થતાં ગરમીમાં આંશિક રાહત મળી છે. એક તબક્કે 45 ડિગ્રીએ પહોંચેલું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. જેના પગલે ગરમીમાં થોડો ઘટાડો થયો છે.
અમદાવાદમાં હજી પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અમદાવાદમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, રાજ્યના મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જો કે, ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક બાદ વાતાવરણમાં ફરી ફેરફાર થશે અને તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. આ ફેરફારને કારણે બે દિવસ પછી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું
હવામાન વિભાગે આગાહી કરી કે, ગઈકાલે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતા તે હવે નબળા પડી ગયા છે અને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, પરંતુ તેની ગુજરાત કે સૌરાષ્ટ્ર-કચ્છ પર કોઈ ખાસ અસર થવાની નથી. જેથી આશા છે કે આગામી સાત દિવસ સુધી આખા ગુજરાતમાં હવામાન એકંદરે સૂકું રહેશે. આગામી 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગુજરાત રિજનમાંથી હીટવેવ દૂર થશે અને આવનાર સાત દિવસ સુધી ત્યાં હીટવેવની કોઈ જ શક્યતા નથી.
