RBI એક્શનમાં, 150 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ

  દિલ્હીના 67 અને બંગાળની 75 કંપનીનો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક (RBI ) એ દેશના નાણાકીય માળખાને સુરક્ષિત રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે.…

 

દિલ્હીના 67 અને બંગાળની 75 કંપનીનો સમાવેશ

ભારતીય રિઝર્વ બેંક (RBI ) એ દેશના નાણાકીય માળખાને સુરક્ષિત રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેંકે નિયમોનું પાલન ન કરનારી 150 નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) ના નોંધણી પ્રમાણપત્રો તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. આ કાર્યવાહી બાદ હવે આ કંપનીઓ ધિરાણ, રોકાણ કે લીઝિંગ જેવી કોઈ પણ નાણાકીય પ્રવૃત્તિઓ કરી શકશે નહીં.

RBI ના વિશ્ર્લેષણ મુજબ, આ કાર્યવાહીની સૌથી વધુ અસર દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે. કુલ 150 કંપનીઓમાંથી આશરે 67 કંપનીઓ દિલ્હીની છે, જ્યારે 75 કંપનીઓ પશ્ચિમ બંગાળમાં નોંધાયેલી હતી. આ સિવાય તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, બિહાર અને હરિયાણા જેવા રાજ્યોની કંપનીઓનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ કંપનીઓ હવે ‘નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન’ તરીકે વ્યવસાય કરવા માટે પાત્ર નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ કંપનીઓ લાંબા સમયથી નિર્ધારિત માપદંડોનું ઉલ્લંઘન કરી રહી હતી અથવા સક્રિય નહોતી. NBFCs એવી સંસ્થાઓ છે જે બેંકિંગ લાયસન્સ વગર લોન અને રોકાણની સુવિધા આપે છે,
પરંતુ તેમનું નિયમન RBI ના કડક માળખા હેઠળ હોવું અનિવાર્ય છે.

એક તરફ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ RBI એ નાની NBFCs ને મોટી રાહત પણ આપી છે. ₹1,000 કરોડથી ઓછી સંપત્તિ ધરાવતી અને જાહેર થાપણો (Public Deposits) ન સ્વીકારતી કંપનીઓને 1 જુલાઈ, 2026 થી રજીસ્ટ્રેશન અને ફરજિયાત અનામત રાખવાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવશે. આ પગલાનો હેતુ નાના ફાઇનાન્સરો માટે ‘કમ્પ્લાયન્સ’ એટલે કે કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

31 ડિસેમ્બર સુધીની અંતિમ તક
નવા પરિપત્ર મુજબ, જે કંપનીઓ જાહેર ભંડોળ મેળવતી નથી અને ગ્રાહકો સાથે સીધો સંપર્ક ધરાવતી નથી (Type-1 NBFC), તેઓ 31 ડિસેમ્બર, 2026 સુધીમાં પોતાની નોંધણી રદ કરવા માટે RBIને અરજી કરી શકશે. અત્યાર સુધી આવી કંપનીઓએ પણ ફરજિયાતપણે પોતાના નફાના 20 ટકા રકમ રિઝર્વ ફંડમાં જમા કરાવવી પડતી હતી, જેમાંથી હવે મુક્તિ મળશે. RBIના આ ડ્યુઅલ એપ્રોચથી નાણાકીય બજારમાં પારદર્શકતા વધવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *