જ્યુબેલી શાક માર્કેટના રિનોવેશન ભલે કરો, બાજુમાં જ ધંધા માટે જગ્યા ફાળવો

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરની વર્ષો જૂની અને ઐતિહાસિક જ્યુબિલી શાક માર્કેટને રૂૂ. 24.26 કરોડના તોતિંગ ખર્ચે અદ્યતન ’શાકમાર્કેટ કમ ફ્રૂટ માર્કેટ’ બનાવવાનું આયોજન હાથ…

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરની વર્ષો જૂની અને ઐતિહાસિક જ્યુબિલી શાક માર્કેટને રૂૂ. 24.26 કરોડના તોતિંગ ખર્ચે અદ્યતન ’શાકમાર્કેટ કમ ફ્રૂટ માર્કેટ’ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તંત્રના આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સામે હવે સ્થાનિક નાના વેપારીઓ અને પાથરણાવાળાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી પોતાની આજીવિકા ગુમાવવાનો ડર અનુભવી રહેલા વેપારી મંડળો દ્વારા આજે એકત્રિત થઈને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ડિમોલિશન અસ્વીકાર્ય છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, મનપા તંત્ર દ્વારા અદ્યતન માર્કેટના બાંધકામ સમય દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂૂપે વેપારીઓને ઢેબર રોડ પર આવેલી બાબરીયા કોલોની પાસે જગ્યા ફાળવવામાં આવી છે. જો કે, આ જગ્યા મૂળ જ્યુબિલી માર્કેટ વિસ્તારથી ખૂબ જ દૂર આવેલી હોવાથી વેપારીઓએ તેને સદંતર ફગાવી દીધી છે. વેપારી આગેવાનોએ કમિશનર સમક્ષ દલીલ કરી હતી કે આટલી દૂર જગ્યા ફાળવવાથી તેમનો દાયકાઓ જૂનો ગ્રાહકવર્ગ સંપૂર્ણપણે તૂટી જશે. પરિણામે, સેંકડો પરિવારોના મોંમાંથી આજીવિકાનો કોળિયો છીનવાઈ જશે અને નાના વેપારીઓ પાયમાલ થઈ જશે.

આવેદનપત્રમાં વેપારીઓએ તકનીકી મુદ્દાઓ ઉઠાવતા જણાવ્યું હતું કે, જ્યુબિલી શાક માર્કેટના ’અ’ અને ’ઈ’ ઝોનમાં માત્ર પતરાવાળા સ્ટોલ (શેડ) આવેલા છે. આ બંને ઝોનનું માળખું હાલમાં તદ્દન સુરક્ષિત સ્થિતિમાં છે અને ત્યાં કોઈ જ પ્રકારના મોટા રિનોવેશન કે નવનિર્માણની તાતી જરૂૂરિયાત નથી. આ સંજોગોમાં તંત્રએ હઠાગ્રહ છોડીને આ બંને ઝોનમાં હાલ પૂરતું બાંધકામ અટકાવી દેવું જોઈએ અને નાના વેપારીઓને ત્યાં જ પોતાનો રોજગાર ચાલુ રાખવા દેવા માટે મંજૂરી આપવી જોઈએ જેથી કરીને કોઈની રોજીરોટી પ્રભાવિત ન થાય. મહાનગરપાલિકા દ્વારા દ્વારા નાના વેપારીઓને સોમવાર સુધીમાં સ્ટોલ ખાલી કરવા સૂચના આપવામાં આવી છે અને જો આ પ્રકારની સૂચના નો અમલ નહીં કરે તો વેપારીઓના સ્ટોલ ઉપર બુલડોઝર ફેરવવા તાકીત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *