રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી ’વસ્તી ગણતરી 2027’ ની કામગીરી હાથ ધરવા માટે પ્રશાસન દ્વારા કમર કસી લેવામાં આવી છે. આ મહાઅભિયાનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેથી સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની શકે. રાજકોટ જિલ્લામાં પણ તંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે, જેના ભાગરૂૂપે જિલ્લામાં 3476 જેટલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓને કામગીરીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
આગામી 1 જૂનથી 30 જૂન સુધી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો અમલમાં આવશે. આ તબક્કા દરમિયાન મુખ્યત્વે ’ઘરયાદી’ (હાઉસ લિસ્ટિંગ) અને મકાન ગણતરીની કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કુલ 34 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે.આ વખતના પ્રશ્નોમાં લોકોના જીવનધોરણને સ્પર્શતી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને તેમના ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે કે કેમ, સ્માર્ટફોનનો વપરાશ, પીવા માટે બોટલ વોટર (પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર) નો ઉપયોગ તેમજ ખોરાકમાં લેવાતા મુખ્ય ધાન્ય કયા છે – તેવા પાયાના પ્રશ્નો પૂછીને એક વિગતવાર અને આધુનિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
આ વખતે વસ્તી ગણતરીમાં સરકાર દ્વારા ઐતિહાસિક ફેરફાર કરતા પ્રથમ વખત નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધાવવાની તક આપવામાં આવી છે. 17 મેથી 31 મે દરમિયાન ‘સેલ્ફ એન્યુમેરેશન’ (સ્વ-ગણતરી) પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં નાગરિકો ઓનલાઈન માધ્યમથી ઘરબેઠા પોતાની વિગતો સ્વયં ભરી શકશે. જે લોકો આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન માહિતી નોંધાવશે નહીં, માત્ર તેમના જ ઘરે 1 જૂનથી ગણતરીકારો રૂૂબરૂૂ મુલાકાત લેશે.
નોંધનીય છે કે, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ રાજકોટ જિલ્લાની વસ્તી કુલ 38,04,558 નોંધાઈ હતી. છેલ્લા એક દાયકામાં શહેરી વિસ્તારમાં થયેલા વિકાસ અને વૃદ્ધિને કારણે હાલમાં આ વસ્તીના આંકડામાં નોંધપાત્ર વધારો થયો હોવાનો અંદાજ છે. નિયમાનુસાર 800 વ્યક્તિઓ પર એક કર્મચારીના ધોરણે જિલ્લામાં સેંકડો ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવશે.
