પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવા યુગની શરૂૂઆત સાથે જ વિપક્ષી ખેંચતાણ તેજ બની છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રથમ સરકારની રચના અને સુવેન્દુ અધિકારીના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ બાદ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના વડા મમતા બેનરજીએ ભાજપ વિરુદ્ધ એક થવા માટે કરેલી અપીલનો કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સખત વિરોધ કરીને તેને સ્પષ્ટપણે નકારી કાઢી છે.
શનિવારે રાજભવન ખાતે સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીએ ભાજપની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાક્રમ વચ્ચે મમતા બેનરજીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને તમામ વિપક્ષી દળો, વિદ્યાર્થી સંગઠનો અને ગૠઘ ને એક મંચ પર આવવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંગાળ અને રાષ્ટ્રીય સ્તરે આપણો પહેલો દુશ્મન ભાજપ છે. હું ડાબેરી અને અતિ-ડાબેરી પક્ષોને પણ વિનંતી કરું છું કે તેઓ આ લડાઈમાં અમારી સાથે જોડાય.
મમતા બેનરજીની આ દરખાસ્ત પર પ્રહાર કરતા સીપીઆઈ-એમના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બિલકુલ નહીં. તેમણે ઉમેર્યું કે જેમના પર ભ્રષ્ટાચાર, ખંડણી અને સાંપ્રદાયિક રાજકારણના આરોપો હોય તેમની સાથે હાથ મિલાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા સૌમ્ય આઈચ રોયે મમતા બેનરજી પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, જે મમતાએ વર્ષો સુધી બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓને ખતમ કરવાના પ્રયાસો કર્યા, તે હવે એકતાની વાત કરી રહી છે. તેમણે માઓવાદીઓ (અતિ-ડાબેરીઓ) ના સંદર્ભમાં પણ આકરી ટીકા કરી અને યાદ અપાવ્યું કે 2013માં છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની હત્યા કરનારાઓ સાથે ટીએમસી કઈ રીતે એકતા ઈચ્છી શકે? રોયે આરોપ લગાવ્યો કે મમતાના વલણને કારણે જ બંગાળમાં ભાજપનો માર્ગ મોકળો થયો હતો.
