શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેલું હિંસાની એક ગંભીર ઘટના સામે આવી છે. આનંદનગર કોલોનીમાં રહેતી 34 વર્ષીય પરિણીતા તૃપ્તીબેન હિતેનભાઇ ભટ્ટીએ તેના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, લગ્નના 14 વર્ષ બાદ પણ નજીવી બાબતોમાં પરિણીતાને મેણા-ટોણા મારીને હેરાન કરવામાં આવતી હતી. ખાસ કરીને ઘરકામ અને મોડા ઉઠવાની બાબતે સાસરિયાંઓ દ્વારા ઝઘડા કરી તેણીને મારપીટ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 06 મે 2026ના રોજ સવારે સાડા સાત વાગ્યે જ્યારે તૃપ્તીબેન રસોડામાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના સાસુ ચંદ્રીકાબેને તેણી મોડા ઉઠે છે અને કામ કરતી નથી તેવું કહીને ચડામણી કરી હતી. આ બાબતે ઉશ્કેરાઈ જઈને પતિ હિતેનભાઇ, સસરા જેન્તીભાઇ અને સાસુએ પરિણીતાને ગાળો આપી ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. સાસરિયાંઓએ તેણીને “આવીને ઘરમાં ન રખાય, આને તો મારી નખાય” તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમયે પરિણીતાએ તેની બહેન રીંકલબેનને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ સાસરિયાંઓએ તેણીને બહેન સાથે જવા દીધી ન હતી.
અંતે પરિણીતાના પિતા અને અન્ય સગાંઓ તેને તેડવા આવતા તેણી પોતાના પિયર ઢોલરા ગામે પહોંચી હતી અને ત્યારબાદ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે બી.એન.એસ. (ઇ.ગ.જ.) ની કલમ 85, 115(2), 352, 351(2) અને 54 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આરોપી તરીકે હિતેનભાઇ જેન્તીભાઇ ભટ્ટી, ચંદ્રીકાબેન જેન્તીભાઇ, જેન્તીભાઇ અને નણંદ દર્શનાબેનનો સમાવેશ થાય છે. હાલમાં એ.એસ.આઈ. કલ્પેશસિંહ નારૂૂભા ગોહીલ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
