હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાનના બે અને અમેરિકાના ત્રણ જહાજો નિશાન, અમેરિકી જહાજો ભાગ્યા, બન્ને દેશોના એકબીજા પર દોષારોપણ
હોર્મુઝ સ્ટ્રેટમાં સીઝફાયર વચ્ચે ઇરાન-અમેરિકા વચ્ચે અચાનક યુધ્ધ ફરી ભડકયું છે અને બન્ને દેશોએ એકબીજા ઉપર સીઝફાયર તોડી જહાજો ઉપર હુમલા કર્યાના આરોપ લગાવ્યા છે. ઇરાને આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ સિઝફાયર તોડી અમારા બે જહાજોને નિશાન બનાવ્યા હતા. જયારે અમેરિકાના આક્ષેપ મુજબ ઇરાને અમેરિકન નૌકાદળના ત્રણ શક્તિશાળી ડિસ્ટ્રોયર જહાજો ઉપર મિસાઇલથી ભિષણ હુમલો કર્યો હતો.
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઈરાને અમેરિકન નૌકાદળના ત્રણ શક્તિશાળી ડિસ્ટ્રોયર જહાજો પર ડ્રોન અને મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો આક્રમક હતો કે તેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા ’પર્લ હાર્બર’ એટેક સાથે સરખાવવામાં આવી રહ્યો છે. ઈરાની હુમલા બાદ અમેરિકી જહાજોને જીવ બચાવીને હોર્મુઝથી અરબ સાગર તરફ ભાગવાની ફરજ પડી હતી.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે ઈરાને USS ટ્રક્સટન, USS રાફેલ પેરાલ્ટા અને USS મેસન નામના ત્રણ અમેરિકી નેવી ડિસ્ટ્રોયરને નિશાન બનાવ્યા હતા. ઈરાને મિસાઈલોની સાથે-સાથે આત્મઘાતી ડ્રોન અને નાની દરિયાઈ બોટ દ્વારા ઘેરો ઘાલ્યો હતો. જોકે, અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે અને તેના જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ત્રણેય જહાજો સુરક્ષિત છે. તેમણે અમેરિકા દ્વારા કરવામાં આવેલી જવાબી એરસ્ટ્રાઈકને ’લવ ટેપ’ અને આ સમગ્ર અથડામણને માત્ર એક ’નાનો આંચકો’ ગણાવી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે સીઝફાયર હજુ પણ અમલી છે, પરંતુ જો ઈરાન જલ્દી સમજૂતી નહીં કરે તો અમેરિકા વધુ ’હિંસક’ જવાબ આપશે.
ઈરાનની મિલિટરી કમાન્ડે આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ પહેલા સીઝફાયર તોડીને બે જહાજોને નિશાન બનાવ્યા હતા, જેના જવાબમાં ચાબહાર પોર્ટ પાસે અમેરિકી જહાજો પર હુમલો કરવામાં આવ્યો. ઈરાની મીડિયા મુજબ, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને તટીય વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ છે. આ સંઘર્ષ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા, ઈરાન પાસેથી શાંતિ પ્રસ્તાવ પર જવાબની રાહ જોઈ રહ્યું છે. આ પ્રસ્તાવમાં યુદ્ધનો ઔપચારિક અંત અને 30 દિવસમાં વ્યાપક સમજૂતીની વાત છે.
અમેરિકી હુમલા બાદ ઈરાને તેની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. ઈરાની અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાને પણ વળતો પ્રહાર કરવાની તૈયારી દર્શાવી છે. દરમિયાન, સમાચાર મળ્યા છે કે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પશ્ચિમ એશિયા માટે 25.8 અબજ ડોલરના હથિયાર પેકેજને મંજૂરી આપી દીધી છે, જે સૂચવે છે કે સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બની શકે છે.
અમેરિકા માટે સાઉદી-કુવૈત સૈન્ય મથકના દ્વાર ખુલ્લા
અખાતી દેશો અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં મોટો વળાંક આવ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા અને કુવૈતે અમેરિકી સૈન્ય દ્વારા તેમના સૈન્ય મથકો અને હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર લાદવામાં આવેલા પ્રતિબંધો ઉઠાવી લીધા છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાપારી જહાજોને સુરક્ષા પૂરી પાડવા માટેનું પોતાનું નૌકાદળ અભિયાન ’પ્રોજેક્ટ ફ્રીડમ’ ફરી શરૂૂ કરવા જઈ રહ્યું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર હવે નેવલ એસ્કોર્ટ ઓપરેશનને ફરીથી સક્રિય કરવા માંગે છે. અગાઉ આ સપ્તાહની શરૂૂઆતમાં, પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈરાન સાથે ચાલી રહેલી વાતચીતને ધ્યાનમાં રાખીને અમેરિકી પ્રમુખે આ મિશનને કામચલાઉ ધોરણે અટકાવવાની જાહેરાત કરી હતી. જોકે, હવે બદલાયેલી પરિસ્થિતિમાં વ્યાપારી જહાજોની સુરક્ષા માટે અમેરિકા ફરીથી હોર્મુઝની સામુદ્રધુનીમાં સક્રિય થશે.
