એસ્ટ્રોન ચોકમાં બનેલી ઘટના; ઘરેથી મોબાઈલ ઘા કરી નીકળેલા યુવાને પગલુ ભરી લીધું
શહેરમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાને બાઈક લેવાની ઝીદ પકડી હતી. પિતાએ બાઈક લેવાની ના પાડતાં યુવાન મોબાઈલ ઘા કરી ઘરેથી નીકળી ગયા બાદ એસ્ટ્રોન ચોકમાં પહોંચી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તિરૂપતિ સોસાયટીમાં રહેતો રાહુલ જનકભાઈ ગોવાણી નામનો 27 વર્ષનો યુવાન એસ્ટ્રોન ચોકમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં રાહુલ ગોવાણી એક ભાઈ બે બહેનમાં મોટો અને પેટ્રોલ પંપમાં નોકરી કરાતા રાહુલ ગોવાણીને બાઈક લેવું હતું. પરંતુ પિતાએ બાઈક લેવાની ના પાડતાં રાહુલ ગોવાણી આવેશમાં આવી મોબાઈલનો ઘા કરી ઘરેથી નીકળી ગયા બાદ એસ્ટ્રોન ચોકમાં પહોંચી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
