થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીથી હવામાનમાં પલટો : અનેક સ્થળે માવઠુ

ગુજરાત મિરર, રાજકોટ,તા.6 ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર…

ગુજરાત મિરર, રાજકોટ,તા.6
ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી ચાલતી હોવાના કારણે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ સુકાઈ શકે છે ત્યારે 11મી મેં સુધી હવે વાતાવરણ શુષ્ક રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. હાલ રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી ચાલી રહી છે.

જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને સાથે ઝડપી પવન ફૂંકાયો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ રહેવાની છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 11મી મે સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય છે. ભેજનું પ્રમાણ વધુ છે જેથી તાપમાન યથાવત રહેશે. 9થી 11 મેના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ વાળા અને ગરમ પવન ફૂંકાશે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 15થી 20 મે સુધીમાં આંધી વંટોળ સાથે પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે.

સાથે જ હમણાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા પણ છે. જે તારીખ 3થી 7 અને આગામી તારીખ 8થી 12 તથા 16 મે સુધીમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. જેના કારણે 7મી તારીખ સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે. દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભારતના ઘણા ભાગોમાં 80થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર, આ સમયે ખાસ ગુજરાતમાં પણ આંચકાનો પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સામાન્ય રીતે ગંગા જમનાના મેદાનો તપે પછી વરસાદ થવાની શક્યતા હોય છે. પરંતુ તારીખ 11 પછી ગરમી પડી શકે અને બાદમાં આગામી તારીખ 15થી 25 સુધીમાં અરબ સાગર પણ સક્રિય થઈ શકે. જેનો માર્ગ ગુજરાત તરફ હોય તો ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 8મી તારીખ સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોશીના તાલુકાના લાંબડિયા પંથકમાં જ્યારે અરવલ્લીના ભિલોડા, શામળાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. દાહોદ શહેર સહિત જિલ્લામાં ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું હતું. કચ્છ જિલ્લામાં મોડી સાંજે વાતાવરણ બદલાતા ભુજ અને અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં હીરાપર, મોડસર અને મોખાણા સહિતના ગામડાંઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. અમુક સ્થળોએ કરાં સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ભચાઉના કડોલ, માય અને લાખાવટ સહિતના ગામોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

ગોંડલ – ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ
સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્ય સહિત સમગ્ર સૌરાષ્ટ્રને કચ્છમાં તેની અસર જોવા મળી છે. જેમાં ગોંડલ અને ઉપલેટા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. મળતી માહિતી મુજબ ગોંડલ પંથકમાં હળવા જાપટાથી લઈ અડધો ઇંચ વરસાદ વૃક્ષોની ડાળીઓ ધરાશાય તથા માર્ગમાં પણ અવરોધ ઊભો થયો હતો. ગોંડલ તાલુકાના દાળિયા, કોલીથડ, અનિડા, ડેયા, ઉમવાડા વિસ્તારમાં ભારે પવન ફુગાવાની સાથે જાપટા પડ્યા હતા. તો દાળિયામાં કરા સાથે વરસાદ વરસ્યો હોવાનો એક પણ વિગતો સામે આવી છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યોને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હાલ ખેત ઉપજોને પણ મોટી નુકસાની થવાની ભીતિ સેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *