બંગાળમાં ભવ્ય વિજયથી વિશ્ર્વભરના મીડિયામાં મોદી છવાયા

પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ વખાણ કર્યા, તમિલનાડુમાં ‘વિજય’ની એન્ટ્રીની પણ નોંધ લેવાઈ ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી…

પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ વખાણ કર્યા, તમિલનાડુમાં ‘વિજય’ની એન્ટ્રીની પણ નોંધ લેવાઈ

ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જીના શાસનનો અંત લાવીને પીએમ નરેન્દ્ર મોદીની ભાજપે મેળવેલી ઐતિહાસિક જીતની લંડનથી લઈને ન્યૂયોર્ક અને ઇસ્લામાબાદથી ઢાકા સુધી ચર્ચા થઈ રહી છે.

આટલું જ નહીં, તમિલનાડુમાં સુપરસ્ટાર જોસેફ વિજયની નવી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી અને જીત પણ વિદેશી અખબારોમાં છવાયેલી છે. નોંધનીય વાત એ છે કે, ભારતની આ જંગી રાજકીય ઉથલપાથલ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશના મીડિયાએ પણ પીએમ મોદી અને વિજયની સફળતાની નોંધ લીધી છે.

બ્રિટિશ મીડિયા: 12 વર્ષની સૌથી મોટી સિદ્ધિ : બીબીસી (BBC) અને ધ ગાર્ડિયન બંનેએ બંગાળમાં ભાજપની આ જીતને ખૂબ જ મહત્વ આપ્યું છે. બીબીસીએ પોતાના ખાસ રિપોર્ટમાં નોંધ્યું છે કે, ભારતના સૌથી મુશ્કેલ ગણાતા રાજકીય ગઢ બંગાળને સર કરવું એ પીએમ મોદીના 12 વર્ષના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. આ માત્ર કોઈ ત્રણ ટર્મ જૂની સરકારની હાર નથી, પણ પૂર્વ ભારતમાં ભાજપના વધતા પ્રભાવની મોટી સાબિતી છે.

ધ ગાર્ડિયન આ અખબારે લખ્યું છે કે, બંગાળની આ જીત ભારતીય રાજકારણમાં બહુ મોટો બદલાવ લાવશે અને વિપક્ષ માટે આ એક બહુ મોટો ફટકો સાબિત થશે. અમેરિકન મીડિયા પણ આ પરિણામોથી દંગ છે અને તેને ઐતિહાસિક ગણાવી રહ્યું છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં ભાજપની આ જીતને ’ઐતિહાસિક’ ગણાવતા લખ્યું છે કે, પીએમ મોદીના પક્ષે પહેલીવાર આટલા મોટા રાજ્યમાં સત્તા મેળવીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ અખબારે તમિલનાડુમાં અભિનેતા વિજયની જીતને પણ આ ચૂંટણીનું સૌથી મોટું સરપ્રાઇઝ ગણાવ્યું છે.
વોશિંગ્ટન પોસ્ટે પોતાના વિશ્ર્લેષણમાં સ્પષ્ટ કર્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં સાથી પક્ષોના ટેકાથી સરકાર બનાવ્યા બાદ, બંગાળની આ મોટી જીતથી પીએમ મોદીની રાજકીય તાકાત અને સ્થિતિ વધુ મજબૂત બની છે. સાથે જ કેરળમાં કોંગ્રેસ ગઠબંધન સામે ડાબેરી સરકારની હારને પણ એક મોટી ઘટના માનવામાં આવી છે.

આ ચૂંટણીઓમાં માત્ર બંગાળ જ નહીં, દક્ષિણ ભારતનું તમિલનાડુ પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. વિદેશી મીડિયાએ તમિલ સુપરસ્ટાર જોસેફ વિજયની રાજકીય એન્ટ્રીની ખાસ નોંધ લીધી છે. વિજયે માત્ર 2 વર્ષ પહેલાં જ પોતાની ’તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) પાર્ટી બનાવી હતી, અને હવે તેણે ત્યાંની શક્તિશાળી શાસક પાર્ટી DMKને સત્તા પરથી હટાવી દીધી છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયાએ એક ચોંકાવનારૂૂં પરિણામ ગણાવ્યું છે.
પાકિસ્તાનના જાણીતા અખબાર ’ડોન’ (Dawn) એ પણ એએફપી (AFP)નો રિપોર્ટ છાપ્યો છે. જેમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે મોદીની પાર્ટીએ પશ્ચિમ બંગાળ જેવા વિપક્ષના સૌથી મજબૂત ગઢમાં જીત મેળવી લીધી છે. રિપોર્ટ મુજબ, આ જીત 2029ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પીએમ મોદીની સ્થિતિને અત્યંત મજબૂત કરશે.

બાંગ્લાદેશ: પડોશી દેશ બાંગ્લાદેશમાં પણ આ પરિણામોના પડઘા પડ્યા છે. બાંગ્લાદેશના ’ઢાકા ટ્રિબ્યુન’ અખબારે તમિલનાડુમાં સીએમ એમ.કે. સ્ટાલિનની પોતાની સીટ પર થયેલી હાર અને વિજયની પાર્ટીની જબરદસ્ત જીતને એક બહુ મોટા આંચકા તરીકે વર્ણવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન
બંગાળમાં પ્રચંડ જીતની ગુંજ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ છેક અમેરિકા સુધી પહોંચી છે. બંગાળમાં ભાજપની આ શાનદાર અને ઐતિહાસિક જીત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ખુશી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ અભિનંદન પાઠવ્યા છે. સમાચાર એજન્સી IANSના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંગાળની આ તાજેતરની, ઐતિહાસિક અને નિર્ણાયક ચૂંટણી જીત પર પીએમ મોદીને અભિનંદન આપ્યા છે.” ટ્રમ્પે બંગાળમાં ભાજપને પહેલીવાર મળેલી આ સત્તાને અત્યંત મહત્વની અને ઐતિહાસિક ગણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *