પીડિતાના ગર્ભપાતના હુકમનો વિરોધ કરતી સરકારને સુપ્રીમે ઝાટકી નાખી

બળાત્કારનો શિકાર બનેલી 15 વર્ષની સગીરાના 31 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાના અગાઉના આદેશ સામે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન…

બળાત્કારનો શિકાર બનેલી 15 વર્ષની સગીરાના 31 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાના અગાઉના આદેશ સામે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે સરકારના વલણ પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરકારે નાગરિકોની પસંદગીનું સન્માન કરવું જોઈએ.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને સંબોધતા કહ્યું કે બળાત્કાર બાદ તે બાળકીએ જે માનસિક અને શારીરિક યાતના ભોગવી છે તેની ભરપાઈ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી. અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ મામલે સરકાર પાસે કોર્ટના આદેશને પડકારવાનો કોઈ અધિકાર (કજ્ઞભીત જફિંક્ષમશ) નથી. માત્ર પીડિતા પોતે અથવા તેનો પરિવાર જ આ આદેશ સામે વાંધો ઉઠાવી શકે છે.
જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ આ કેસમાં કડક શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે ન્યાયતંત્ર વ્યક્તિગત પસંદગીઓનું સન્માન કરે છે અને સરકારે પણ તે જ રીતે વર્તવું જોઈએ.

જ્યારે સરકારના વકીલ ઐશ્વર્યા ભાટીએ દલીલ કરી હતી કે આ તબક્કે ગર્ભપાત શક્ય નથી અને પીડિતા પાસે માત્ર બાળકને જન્મ આપીને તેને દત્તક આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, ત્યારે અદાલતે આ દલીલને ફગાવી દીધી હતી.અદાલતે સરકારને નાગરિકોના મૂળભૂત અધિકારો અને તેમની પસંદગી પ્રત્યે વધુ સંવેદનશીલ રહેવાની સલાહ આપી છે. 15 વર્ષની બાળકી જે ભયાનક ગુનાનો ભોગ બની છે, તેને વધુ માનસિક ત્રાસ ન પડે તે સુનિશ્ચિત કરવા અદાલતે ગર્ભપાતના આદેશને યથાવત રાખવાની દિશામાં મક્કમ વલણ અપનાવ્યું છે. આ ચુકાદો સગીર પીડિતાઓના પ્રજનન સ્વાસ્થ્ય અને તેમના ન્યાય મેળવવાના અધિકાર પર મહોર મારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *