હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ

બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…

બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે

છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 126 ડોલરની સપાટીને વટાવી ગયો છે. આ કિંમતો જૂન 2022 પછીની સૌથી ઉંચી સપાટી છે. આ ભાવવધારા પાછળ મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેઈટની નાકાબંધી યથાવત રાખવામાં આવશે તે મુખ્ય કારણો માનવામાં આવે છે.

તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા ઉત્પાદન કાપ ચાલુ રાખવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધો આવતા ભાવ હજુ પણ વધી શકે છે તેવી નિષ્ણાતોની ધારણા છે. જો બ્રેન્ટ ક્રૂડ 125ની સપાટી વટાવશે, તો વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની આશંકા પણ સેવાઈ રહી છે.

દરમિયાન ક્રૂડના ભાવમાં ભડકો થતા તેની અસર અનેક વાણિજ્ય બજાર પર પણ પડી શકે છે. એક બાજુ આજે રૂૂપિયો વધુ 35 પૈસા નબળો પડ્યો છે. રૂૂપિયાની સરખામણીમાં ડોલર નો ભાવ 95.24 સુધી પહોંચતા ભારતના આયાતકારોને મોટો ફટકો પડી શકે છે. જો ભાવ હજુ વધશે તો ભારતના અર્થ તંત્રને પણ મોટો ફટકો પડી શકે છે.

દરમિયાન રૂૂપિયો વધુ નબળો પડતા તેમજ ક્રૂડના ભાવમાં ભડકો થતા તેની અસર ભારતના શેર બજાર ઉપર પણ કરી હતી.આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 1250 પોઈન્ટ ગબડીને 76,280 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50 માં પણ 361 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 23,816ના સ્તર પર આવી ગઈ છે. આજે બેંક નિફ્ટી 900 અને મિડકેપ નિફ્ટી પણ 1000 પોઇન્ટ તૂટી ગયા છે. આજે ઓટો,સરકારી બેંકો અને મેટલના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકામાં વ્યાજદર યથાવત રહેતા માર્કેટનો મૂડ બગડ્યો
અત્યારે સમગ્ર વિશ્વની નજર રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધો પર છે, કારણ કે તેના પર જ તેલના પુરવઠાનો આધાર રહેલો છે. અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે પરંતુ મોંઘવારીને લઈને તેમનું વલણ અત્યંત કડક રહ્યું છે. ઊંચા વ્યાજ દરો લાંબા સમય સુધી જળવાઈ રહેવાની શક્યતાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે. અમેરિકા દ્વારા વ્યાજદર યથાવત રાખવાના નિર્ણયથી અમેરિકી સ્ટોક માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ પણ 280 પોઇન્ટ તૂટ્યો હતો.

કરાંચી સ્ટોક એકસચેન્જમાં પણ 3300 પોઈન્ટનો કડાકો
ભારતના સ્ટોક એકક્ષચેન્જમાં આજે મોટા ગાબડા પડયા છે ત્યારે પાકિસ્તાન સહિત વિશ્ર્વભરના શેર માર્કેટમાં પણ વેચવાલીનું જોર જોવા મળી રહ્યું છે. બ્રાઝીલનો સ્ટોક માર્કેટ 3800 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યું છે. જ્યારે જર્મનીનું 100 પોઈન્ટ, જાપાનનું માર્કેટ 800 પોઈન્ટ, સાઉથ આફ્રિકાનું માર્કેટ 600 પોઈન્ટ, હેગશેંગ 400 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યું છે. ગીફટ નિફટીમાં પણ 270 પોઈન્ટનું ગાબડુ જોવા મળી રહ્યું છે. સિંગાપોર નિફટીમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કરાચી સ્ટોક એકસચેન્જમાં આજે 3300 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *