સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરી ભાજપનું બુલડોઝર ર્ફ્યુ

તમામ 15 મહાનગરપાલિકાઓમાં કમળ ખિલ્યું, બેઠકોમાં આંશિક ઘટાડો છતાં શાસન અકબંધ જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ કેસરીયા બ્રિગેડની આગેકૂચ, કોંગ્રેસને અમુક બેઠકોનો ફાયદો, ગ્રામ્ય વિસ્તારોમાં…

તમામ 15 મહાનગરપાલિકાઓમાં કમળ ખિલ્યું, બેઠકોમાં આંશિક ઘટાડો છતાં શાસન અકબંધ

જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ કેસરીયા બ્રિગેડની આગેકૂચ, કોંગ્રેસને અમુક બેઠકોનો ફાયદો, ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ આશ્ર્ચર્ય સર્જ્યુ

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 9263 બેઠકોની મતગણતરીનો સવારથી ભારે ઉત્કંઠા અને ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે સ્થાનિક સ્વારજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યાનું પ્રાથમિક પરિણામો ઉપરથી જણાઈ રહ્યું છે. 2021ની ચૂંટણીમાં પાલિકા, મહાપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતો ઉપર મજબૂત પકડ ધરાવતાં ભાજપની પકડ થોડી ઢીલી પડી હોય તેમ બેઠકોમાં ઘટાડો નોંધાયો છે. આગામી વર્ષે યોજાનાર ધારાસભાની ચૂંટણીના સેમિફાઈનલ સમાન આ ચૂંટણીમાં ભાજપ માટે મતદારોનો ચેતવણીજનક જનાદેશ છે. જ્યારે કોંગ્રેસ માટે નવી ઈનીંગ શરૂ કરવા સમાન જણાય છે તો આમ આદમી પાર્ટી માટે આશાના નવા કિરણ સમાન પરિણામો આવી રહ્યાં છે.

રાજ્યની જુની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓ તેમજ નવી 9 મહાનગરપાલિકાઓમાં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યુ છે. પરંતુ બેઠકોમાં ઘટાડો થયો છે. જ્યારે 84 નગરપાલિકાઓ પૈકી અંદાજે 80 નગરપાલિકાઓમાં ભાજપ બહુમતી તરફ આગેકદમ કરી રહેલ હોવાનું પ્રારંભીક ટ્રેન્ડ પરથી જણાઈ રહ્યું છે. આ સિવાય 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો પૈકી મોટાભાગની જિલ્લા તાલુકા પંચાયતોમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહેલ છે. જ્યારે કોંગ્રેસની બેઠખોમાં આંશિક વધારો થતો જણાય છે તો તાલુકા પંચાયતોમાં કેટલીક બેઠકો ઉપર આમ આદમી પાર્ટી આશ્ર્ચર્ય સર્જી રહી છે.

પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી ભેસાણ બેઠક પર આપ સામે હારી ગયા
જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. ભેસાણ બેઠક પરથી ચુંટણી લડી રહેલ પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી આપના ઉમેદવાર દિલસુખ રૂપારેલીયા સામે ભુંડેહાલ હાર્યા છે. ભુપત ભાયાણીની 1400 મતથી હાર થઇ છે.

કડી નગરપાલિકામાં 28 બેઠકો બિનહરીફ જીત્યા બાદ બાકીની તમામ બેઠકો ભાજપ ચૂંટણીમાં હાર્યું
મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાની ચુંટણી શરૂઆતથી જ ભારે ચર્ચામાં રહી હતી. પૂર્વ મુખ્યમંત્રી નીતીન પટેલનો ગઢ ગણાતી કડીની બેઠકની ચુંટણી જાહેર થયા બાદ સાત વોર્ડની 28 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જેમાં 7 વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. કુલ 9 વોર્ડમાંથી 7 વોર્ડ બિનહરીફ થઇ જતા બાકીના બે વોર્ડની 8 બેઠકો માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે. આ તમામ બેઠકોમાં ભાજપ હારી ગયું છે અને નીતીન પટેલના ગઢમાં પહેલી વખત આવી રીતે ભાજપની હાર થઇ છે.

‘આપ’ના કદાવર નેતા મનોજ સોરઠિયા સુરતમાં વોર્ડની ચૂંટણીમાં હારી ગયા

આમ આદમી પાર્ટીને સુરતમાં મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી મનોજ સોરઠીયા વોર્ડ નં.4માં ચૂંટણી હારી ગયા છે. સુરત મહાનગરપાલિકામાં ગત 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે ઉત્સાહજનક પ્રદેશને કર્યુ હતું. પણ આ વખતની ચૂંટણીમાં કદાવર નેતા મનોજ સોરઠીયા જ હારી જતાં મોટો અપસેટ સર્જાયો છે.

પક્ષપલ્ટો કરી ‘કમળ’ પકડનાર રાજુ કરપડા જિ.પંચાયતમાં હાર્યા
રાજ્યમાં ‘આપ’નો કુલ 83 બેઠકો પર વિજય
આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયેલા કહેવાતા ખેડૂત નેતા રાજુ કરપડાને મતદારોએ લાતમારી છે અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી-2 બેઠક ઉપરથી ચૂંટણી હારી ગયા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીને ઓક્સિજન મળ્યો હોય તેમ નગરપાલિકાઓમાં 5, તાલુકા પંચાયતોમાં 72 અને જિલ્લા પંચાયતોમાં 6 બેઠકો મળી છે. હજુ પણ ‘આપ’ની બેઠકો વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *