માઇકલ જેકસનની ‘મૂનવોકે’ ધમાલ મચાવી, 5 દિવસમાં 2000 કરોડનું કલેક્શન

પોપ સંગીતના કિંગ માઈકલ જેક્સનનો જાદુ આજે પણ દુનિયાભરમાં અકબંધ છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી બાયોપિક ’Michael’ એ બોક્સ ઓફિસ પર એવી સુનામી લાવી છે…

પોપ સંગીતના કિંગ માઈકલ જેક્સનનો જાદુ આજે પણ દુનિયાભરમાં અકબંધ છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી બાયોપિક ’Michael’ એ બોક્સ ઓફિસ પર એવી સુનામી લાવી છે કે મોટા-મોટા રેકોર્ડ્સ ધરાશાયી થઈ ગયા છે. આ ફિલ્મે માત્ર 5 જ દિવસમાં ₹2000 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે.

ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળવા છતાં, દર્શકોએ આ ફિલ્મને હીટ માની લીધી છે. ’માઈકલ’ એ અત્યાર સુધીની બ્લોકબસ્ટર બાયોપિક્સ જેવી કે ’ઓપનહાઈમર’ અને ‘બોહેમિયન રેપ્સોડી’ને પણ પાછળ છોડી દીધી છે. એક સરખામણી કરીએ તો, ભારતની સુપરહિટ ફિલ્મ ’ધુરંધર 2’ એ દોઢ મહિનામાં ₹1800 કરોડની કમાણી કરી હતી, જ્યારે ’માઈકલ’ એ માત્ર 5 જ દિવસમાં આ આંકડો વટાવી દીધો છે. નોર્થ અમેરિકામાં પણ આ ફિલ્મે 97 મિલિયન (આશરે ₹899 કરોડ) નું ઓપનિંગ મેળવીને ’ઓપનહાઈમર’ (82 મિલિયન) નો રેકોર્ડ તોડ્યો છે.
વિદેશી બજારોની સાથે ભારતીય સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે.

ભારતમાં રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં જ ફિલ્મે ₹16.72 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે ગ્રોસ કલેક્શન ₹20 કરોડને પાર કરી ગયું છે. શનિવાર અને રવિવારે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે ₹5 કરોડથી વધુનો કારોબાર કર્યો હતો. આ ફિલ્મની સફળતાનું સૌથી મોટું કારણ માઈકલ જેક્સનનો ભત્રીજો જાફર જેક્સન છે. જાફરે આ ફિલ્મમાં તેના કાકા (માઈકલ) નો મુખ્ય રોલ ભજવ્યો છે. દર્શકો અને વિવેચકો બંને જાફરના અભિનય અને તેના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે. પોતાની ફિલ્મને મળી રહેલા અભૂતપૂર્વ પ્રેમ બદલ જાફર જેક્સને ચાહકોનો આભાર માનતા કહ્યું કે, “આખી દુનિયાએ પોતાનો અભિપ્રાય આપી દીધો છે અને દરેક વ્યક્તિ પોતાનું સમર્થન બતાવી રહી છે. આ પ્રેમ બદલ હું ખૂબ જ આભારી છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *