ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારના પતિ સામે ભાજપના એક કાર્યકરને ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ભાજપના કાર્યકર જોગેશભાઈ ઘેલાણી વોર્ડ નંબર 6માં ભાજપનો પ્રચાર કરી રહ્યા હતા. તેઓ પોતાના કામ અર્થે મિત્ર પાસે વિરાણી પા વિસ્તારમાં ગયા હતા. તે સમયે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર હેમલતાબા જાડેજાના પતિ બલભદ્રસિંહ જાડેજાએ તેમને રસ્તામાં રોક્યા હતા.
બલભદ્રસિંહ જાડેજાએ જોગેશભાઈને પૂછ્યું હતું કે, “તું ભાજપના પ્રચાર કરતા વીડિયો ફોટા કેમ પાડે છે?” આટલું કહીને તેમણે જોગેશભાઈને અપશબ્દો બોલ્યા હતા. જ્યારે જોગેશભાઈએ અપશબ્દો બોલવાની ના પાડી, ત્યારે ’આપ’ ઉમેદવારના પતિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટના બાદ ભાજપ કાર્યકર જોગેશભાઈ ઘેલાણીએ બલભદ્રસિંહ જાડેજા વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
