માત્ર સ્થાનિક ઉમેદવારને જ પ્રવેશની વાતથી રાજકીય પક્ષોમાં ચિંતા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ તેજ વોર્ડ નંબર 9 માં સ્થાનિક રહીશોએ એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન શરૂૂ કર્યું છે. અહીં મોડી રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં પ્રચાર માટે માત્ર સ્થાનિક ઉમેદવારોએ જ આવવું. બહારના ઉમેદવારો માટે પ્રચાર પર પ્રતિબંધના આ બેનરોએ રાજકીય પક્ષોમાં ચિંતા વધારી દીધી છે.
વેરાવળના રિયોન હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોએ એકમત થઈને આ બેનરો માર્યા હોવાની વાતો વહેતી થઈ છે. સોસાયટીના રહીશોની માંગ છે કે જે ઉમેદવાર આ જ વિસ્તારમાં રહેતા હોય અને સ્થાનિક પ્રશ્નોથી વાકેફ હોય, તેવા લોકોએ જ પ્રચાર માટે આ સોસાયટીમાં પ્રવેશ કરવો. અન્ય વિસ્તારના રહેવાસી હોય તેવા ઉમેદવારોએ આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં તેવો કડક સંદેશ આ બેનરો થકી આપવામાં આવ્યો છે. સ્થાનિકોની આ એકતાને કારણે રાજકીય પક્ષોના ગણિત બગડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ચૂંટણી પૂર્વે સોસાયટીના મુખ્ય માર્ગો પર લાગેલા આ બેનરોને કારણે પ્રચાર કાર્યમાં અવરોધ ઊભો થયો છે. જે તે પક્ષના બહારના ઉમેદવારો માટે હવે મતદારો સુધી પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે. સોસાયટીના સભ્યોએ જે રીતે પ્રવેશ પ્રતિબંધના બેનરો માર્યા છે, તેને જોતા આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં પણ આવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. હાલમાં તો આ બેનર વોરને કારણે સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
