TDSની ગણતરી દરેક વેચનારને મળતી રકમ પણ ગણવાનો અગત્યનો ઈન્કમટેકસ અપીલ ટ્રીબ્યુનલ-અમદાવાદનો ચૂકાદો
મિલકત ખરીદતી વખતે સામાન્ય રીતે ખરીદદારોના મનમાં 1% TDS કાપવાની ચિંતા હોય છે, પરંતુ અમદાવાદ આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) એ એક એવો ચુકાદો આપ્યો છે જે અનેક કરદાતાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. હસમુખભાઈ જયંતિભાઈ પટેલ વિરુદ્ધ ITO ના કેસમાં ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે જો તમે કોઈ મિલકત ખરીદો છો જેના વેચનાર એકથી વધુ છે, તો ₹50 લાખની મર્યાદા આખી પ્રોપર્ટીની કિંમત પર નહીં, પરંતુ દરેક વેચનારને મળતી રકમ પર ગણવી જોઈએ. આ નિર્ણયથી એવા ખરીદદારોને સીધો ફાયદો થયો છે જેમને આવકવેરા વિભાગે લાખો રૂૂપિયાના ટેક્સ અને વ્યાજની નોટિસ ફટકારી હતી.
આ કેસની વિગતવાર વાત કરીએ તો, ખરીદદારે એક પ્રોપર્ટી ખરીદી હતી જેની કુલ કિંમત ₹50 લાખથી વધુ હતી, પરંતુ તેમાં હિસ્સેદારો વધુ હોવાથી કોઈ પણ એક વ્યક્તિને ₹50 લાખથી વધુની ચુકવણી કરવામાં આવી નહોતી. કર વિભાગે આ વ્યવહારને કલમ 194-ઈંઅ હેઠળ ડિફોલ્ટ ગણીને ₹13.5 લાખની માતબર રકમ વસૂલવાનો આદેશ આપ્યો હતો. જોકે, ITAT એ આ દલીલને ફગાવી દેતા જણાવ્યું કે આકારણી વર્ષ 2015-16 ના નિયમો મુજબ, ’પ્રતિ વિક્રેતા’ ચુકવણીને જ આધાર માનવો જોઈએ. આ ચુકાદાના પરિણામે ખરીદનાર પર લાદવામાં આવેલ તમામ દંડ અને વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યા છે.
જોકે, ઘર ખરીદનારાઓ માટે એક મહત્વની સાવચેતી પણ છે. આ રાહત મુખ્યત્વે 1 એપ્રિલ, 2024 પહેલાના સોદાઓ માટે છે. કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલા તાજેતરના સુધારા મુજબ, હવે નિયમો વધુ કડક બન્યા છે. હવે જો પ્રોપર્ટીની કુલ કિંમત ₹50 લાખથી વધુ હોય, તો ભલે તમે ગમે તેટલા ભાગીદારોને છૂટક ચુકવણી કરો, TDS કાપવો ફરજિયાત છે. તેથી, જો તમે જૂના કોઈ કેસમાં ફસાયેલા હોવ તો આ ITATનો નિર્ણય તમારી વહારે આવી શકે છે, પરંતુ નવા સોદા કરતી વખતે વર્તમાન કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે.
