સ્વચ્છતા : સંસ્કારનો સાચો માપદંડ

આપણે સૌ આપણા ઘરને તો સાફ રાખીએ જ છીએ. જેમ કે દરરોજ વાસણ ધોવા, કચરો કાઢવો, સફાઈ કરવી જેવા અનેક કામ ખૂબ નિયમિત રીતે કરીએ…

આપણે સૌ આપણા ઘરને તો સાફ રાખીએ જ છીએ. જેમ કે દરરોજ વાસણ ધોવા, કચરો કાઢવો, સફાઈ કરવી જેવા અનેક કામ ખૂબ નિયમિત રીતે કરીએ છીએ. જેવા ઘરની બહાર નીકળીએ કે તરત જ આ અભ્યાસ ગાયબ થઈ જાય છે. જેમ કે રસ્તાઓ પર થૂંકવું, પ્લાસ્ટિકની બોટલો ફેંકવી, ખાધેલી વસ્તુઓના કવર ત્યાં જ મૂકી દેવા જેવા અનેક ગંદકીભર્યા કાર્યો સાવ સામાન્ય બની ગયા છે.

જરા વિચારો, આ જાહેર રસ્તાઓ કોના છે? એ આપણા જ સૌના છે. આપણે જ તેના પર ચાલીએ છીએ, રમીએ છીએ, બેસીએ છીએ અને ત્યાંથી જ તો પસાર થઈએ છીએ. શુદ્ધ અને સ્વચ્છ રાખવાની પ્રથમ જવાબદારી જ આપણી બને છે.

સરકારે સ્વચ્છતા માટે “સ્વચ્છ ભારત અભિયાન” જેવા અભિયાનો શરૂ કરીને દેશભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. જેમ કે દરેક ગામડાં કે શહેરોમાં ઠેરઠેર કચરાપેટીઓની સંખ્યા વધારવી, તેમના કલરકોડ પણ આપ્યા, સફાઈ કામદારોની સંખ્યા વધારી, તેમજ દરરોજ કચરો ઉઠાવવાની વ્યવસ્થા પણ મજબૂત કરી. આમ છતાં પણ ઘરની બહાર નીકળતાં જ કચરો રોડ પર ફેંકતા આપણે જ શરમ અનુભવતા નથી. સરકારના એકલા પ્રયત્નોથી કશું નહીં વળે. જો સરકાર રસ્તો સાફ કરે અને નાગરિક રોજ ફરી કચરો ફેંકે તો આ બધા પ્રયત્નો શૂન્ય થઈ જાય. સરકારી તમામ વ્યવસ્થા અને નાગરિકનો સંસ્કારી વ્યવહાર, બંને સાથે મળે તો જ ઠેરઠેર સ્વચ્છતા સર્જાય.

દર વર્ષે અબજો રૂૂપિયા સ્વચ્છતા અભિયાન પાછળ રોકાય છે. સરકારી કર્મચારીઓ જો આ રૂૂપિયા યોગ્ય જગ્યાએ વાપરે તો ભારતની ભૂમિ સ્વર્ગ સમાન બની જ શકે. આજે સરકારી કામો પાછળના રૂૂપિયા જાહેર જગ્યાઓ પાછળ ના વપરાતા ખિસ્સામાં વધુ જતા હોય છે. આમ પણ સાચી વાત તો એ છે કે, કાયદા કરતાં વધારે અસર સંસ્કાર કરે છે. જ્યાં લોકો જ પોતાના સંસ્કારોથી ચાલે છે ત્યાં કાયદાઓ પણ નરમ પડે છે. જે લોકો કાયદાના ડરથી જ કામ કરે છે તેવા લોકોમાં સંસ્કારોની ઉણપ હોય છે.

વિદેશથી ભારત પાછા ફરતા અનેક લોકો વિદેશના વખાણ કરતા જોવા મળે છે, પરંતુ આ જ લોકોને સ્વચ્છતા અંગે પૂછવામાં આવે તો પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. વિદેશની ધરતી પર રતિભાર પણ કચરો નહીં ફેંકે. કેમકે ત્યાં એવું કરે તો કાયદાનું ઉલ્લંઘન થાય અને દંડ ભરવો પડે. જયારે ભારત આવતાં જ રોડ પર થૂંકવા લાગશે. કાર કે બસમાંથી કચરો બહાર ફેંકશે. અનેક કચરો કરતા જરાં પણ અચકાશે નહીં. કેમકે અહીં કાયદો તો છે પણ દંડ નથી. તો શું દંડ કે બીકથી જ ચોખ્ખાઈ રાખીશું? ભારતની અતિ પવિત્ર ધરતી પર આ કેવા સંસ્કાર કે જો દંડ હોય તો જ આપણી જન્મભૂમિને ચોખ્ખી રાખવી. દરેક નાગરિક પોતાનાં પરિવાર કે સગાવ્હાલા સુધી માત્ર સ્વચ્છતા અભિયાનનો આટલો સંકલ્પ પહોંચાડે કે કરાવશે તો પણ ભારતની ભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી હતી અને રહેશે જ.

લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીને માતા તરીકે પૂજે છે. આ માતા સમાન નદીમાં કચરો નાખવો એ પણ શરમજનક કાર્ય છે. છતાં ઢગલાબંધ કચરો આપણે જ ઠાલવીએ છીએ. આટલું જ નહીં પૂજા, આસ્થા, શ્રદ્ધાના નામે અબીલ, ગુલાલ, કંકુ, ચોખા કે ફૂલોને પૂરી આસ્થાથી પધરાવવાના બહાને નદીને આપણે જ ગંદી કરીએ છીએ. પાણીને દૂષિત કરનાર આપણે પોતે જ છીએ. આટલું જ નહીં, અનેક શ્રદ્ધાના નામ પર વસ્તુઓને અગ્નિમાં હોમવા કરતાં પાણીમાં પધરાવતા હોઈએ છીએ. વિદેશમાં નદીઓ ચોખ્ખી શા માટે છે?? કેમકે પાણીમાં જરા પણ વસ્તુઓ ફેંકવા પર આકરા દંડ વસુલાય છે.

અંતે, જાહેર સ્થળો કે નદીઓ આપણી સૌની જ છે, તેને ગંદા કરવા એટલે આપણા જ સમાજની ઓળખને ગંદી કરવી. જયારે દરેક નાગરિક એક નિર્ણય લેશે, “હું મારી આસપાસ સ્વચ્છતા જાળવીશ”, ત્યારે જ આપણો દેશ સ્વચ્છ અને સંસ્કારી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *