બિહારમાં આખરે ભાજપના સમ્રાટ ચૌધરીની તાજપોશી થઈ ગઈ. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળ અને તમિળનાડુની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હોવાથી કોઈ પણ તામઝામ વિના પટણાના રાજભવન (હવે લોકભવન)માં યોજાયેલા સમારોહમાં ચૌધરીની સાથે જેડીયુના વિજયકુમાર ચૌધરી અને વિજેન્દ્ર યાદવની પણ નાયબ મુખ્ય પ્રધાનપદે તાજપોશી થઈ ગઈ. નીતીશકુમાર કેબિનેટમાં ભાજપને બે નાયબ મુખ્ય પ્રધાનપદ અપાયાં હતાં.
ભાજપે એવો વળતો વાટકી વ્યવહાર કરીને જેડીયુને બે નાયબ મુખ્ય પ્રધાન પદ આપી દીધાં છે. મીડિયામાં સમ્રાટ ચૌધરીની સાથે ભાજપ અને જેડીયુમાંથી બીજા કોણ કોણ મંત્રીપદના શપથ લેશે તેનાં ઘણાં નામ ફરતાં થયેલાં પણ હમણાં તો બે ચૌધરી અને એક યાદવ મળીને ત્રણ મંત્રીએ જ શપથ લીધા છે. હમણાં ચૂંટણીનો માહોલ છે ને ભાજપ માટે પશ્ચિમ બંગાળ નાકનો સવાલ છે તેથી 29 એપ્રિલ લગી ભાજપના મોવડીઓ નવરા નથી પડવાના. આ સંજોગોમાં સમ્રાટ કેબિનેટનું વિસ્તરણ હમણાં થાય એવી શક્યતા નથી. જે થશે એ મતદાન પતે પછી જ થશે તેથી બિહારમાં મુખ્ય પ્રધાન ને બે નાયબ મુખ્ય પ્રધાન ભલે કામ કરતા થઈ જાય પણ પૂરેપૂરી કેબિનેટ તો નવા મહિનામાં જ કામ કરતી થશે એવું લાગે છે. ભાજપ અને જેડીયુ વચ્ચે બધું પાકે પાયે ગોઠવાયેલું છે તેથી મંત્રીમંડળમાં કોને લેવા ને ક્યું ખાતું કોને આપવું એ મુદ્દે કોઈ ડખા થવાની શક્યતા નથી એ જોતાં કેબિનેટની શપથવિધિ પણ સરળતાથી પાર પડી જશે.
મીડિયામાં તો નીતીશકુમારના પુત્ર નિશિથકુમાર નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેશે એવી વાતો પણ વહેતી થયેલી પણ એ વાત પણ સાચી નથી પડી. તેના પરથી સ્પષ્ટ છે કે, નિશિથકુમારને રાજકારણમાં બહુ રસ નથી. ઘણા યુવાઓને રાજકારણમાં રસ ના હોય પણ બાપાનો રાજકીય વારસો સાચવવા માટે પરાણે રાજકારણમાં આવવું પડતું હોય છે ને તેમાં છેવટે ઉદ્ધવ ઠાકરે જેવી હાલત થઈને રહી જતી હોય છે. નિશિથકુમારે ભૂતકાળમાંથી બોધપાઠ લીધો છે કે પછી પોતાની વાત પર મક્કમ રહેવાનું નક્કી કરી લીધું છે એ ખબર નથી પણ અત્યારે તો નિશિથે જબરદસ્ત સંયમ બતાવ્યો છે તેમાં મીનમેખ નથી. જેડીયુમાં નીતીશના સમર્થકોનો એક વર્ગ લાંબા સમયથી નિશિથને રાજકારણમાં લાવીને નીતીશના રાજકીય વારસ બનાવવા થનગની રહ્યો છે કેમ કે જેડીયુ પાસે બીજો કોઈ એવો નેતા જ નથી કે જેના નામે મત માગી શકાય. નિશિથ પણ એવી પ્રતિભા નથી ધરાવતો કે તેની તરફ લોકો આકર્ષાય પણ ભારતમાં લોકો વંશવાદી છે. મોટા નેતાઓના નામે આકર્ષાઈને તેમનાં સંતાનોને મત આપી દેતા હોય છે તેથી જેડીયુના નેતા નીતીશના નામે તેમની દુકાન ચાલતી રહે એ માટે નિશિથને રાજકારણમાં લાવવા ઊંચાનીચા થઈ રહ્યા છે.
નિશિથ અત્યારે આઈટી સેક્ટરમાં કામ કરે છે અને સારું કમાય છે તેથી રાજકારણમાં એ નાણાં કમાવવા નથી આવવાનો એ નક્કી છે. નિશિથે તો લગ્ન પણ નથી કર્યાં તેથી પરિવારની પળોજણ નથી ને તેના માટે રૂૂપિયા ભેગા કરવાની લાલચ પણ નથી પણ પાછલી જિંદગીમાં સત્તા ભોગવવાના અભરખા ભલભલાનો સંયમ તોડી નાખતા હોય છે. ચૌધરી ચરણસિંહના દીકરા અજિતસિંહથી માંડીને બિજુ પટનાઈકના દીકરા નવિન પટનાઈકને હમણાં અખિલેશ યાદવ પણ સારી નોકરીઓ ને સુખસગવડની જિંદગી છોડી છોડીને રાજકારણમાં આવ્યા જ છે. નવિન પટનાઈક પણ નિશિથની જેમ પરણેલા નહોતા ને અમેરિકામાં હાઈ-ફાઈ જીવન જીવતા હતા પણ બિજુના કહેવાથી રાજકારણમાં આવી ગયા. પહેલાં અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી બન્યા ને પછી સળંગ 25 વર્ષ સુધી ઓડિશાના મુખ્ય પ્રધાન રહ્યા. આવા દાખલા પણ નિશિથનો સંયમ તોડાવી નાખે એવું બને.
બીજું એ પણ છે કે, બિહારમાં મુખ્ય પ્રધાનપદ ભાજપ પાસે ગયું પછી જેડીયુના અસ્તિત્વ સામે મોટો ખતરો છે. અત્યાર લગી ભાજપ અને જેડીયુ બેઠકોની વહેંચણીમાં સમાન સ્તરે હતા ને સરખી બેઠકો પર લડતા. હવે ભાજપ બળુકો બન્યો છે કેમ કે મુખ્ય પ્રધાનપદ ભાજપ પાસે છે. આ સંજોગોમાં -ભાજપ હવે વધારે બેઠકો માગશે ને તેના કારણે સંઘર્ષ થઈ શકે. આ સંઘર્ષના કારણે ભવિષ્યમાં બંનેના રસ્તા નોખા થઈ જાય એવું પણ બને. ભાજપ સાથે ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી જેવા સાથીઓ છે કે જેમની પોતાની ખાસ મતબેંકો છે. તેમને સાચવીને ભાજપ ભવિષ્યમાં જેડીયુને કોરાણે મૂકી દે એ પણ શક્ય છે. ભાજપનો ઈતિહાસ સત્તાનો ઉપયોગ કરીને પોતાના જ સાથીઓને ગળી જવાનો છે.
શિવસેના, ઈન્ડિયન લોકદળ, હિમાચલ કોંગ્રેસ વગેરે પક્ષોએ તેનો સ્વાદ ચાખેલો જ છે. હવે પછી જેડીયુને પણ એ સ્વાદ ચાખવા મળે એવું બને. ભાજપ તેમાં જરાય ખોટો નથી કેમ કે દરેક રાજકીય પક્ષ પોતાના જોરે સત્તા હાંસલ કરવા જ મથતો હોય છે. આ બધા સંજોગોમાં જેડીયુનાં વળતાં પાણી થાય ને તેને બચાવવા નિશિથે મેદાનમાં આવવું પડે એવું બને. ટૂંકમાં હાલ નિશિથની એન્ટ્રી ના થઈ પણ ફુલ સ્ટોપ નથી મુકાયું. જેડીયુ નિશિથની બાપકી પેઢી છે તેથી ગમે ત્યારે આવીને બેસી શકે છે.
