ભાવનગરમાં વાળંદ સમાજના ઉમેદવારને ભાજપે ટિકિટ આપીને કાપી નાખતા પ્રચંડ રોષ

વોર્ડ નં.11માં બહુમતી ધરાવતાં સમાજનું અપમાન ભારે પડશેની આગેવાનોની ચિમકી ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના જંગમાં ઉમેદવારોના નામોની જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો…

વોર્ડ નં.11માં બહુમતી ધરાવતાં સમાજનું અપમાન ભારે પડશેની આગેવાનોની ચિમકી

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના જંગમાં ઉમેદવારોના નામોની જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને શહેરના વોર્ડ નંબર 11 (દક્ષિણ સરદારનગર) માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગીમાં કરવામાં આવેલા આકસ્મિક ફેરફારને કારણે વાળંદ સમાજમાં ભારે નારાજગી અને રોષ ફાટી નીકળ્યો છે. શ્રી ગોહિલવાડ વાળંદ જ્ઞાતિના પ્રમુખ અને શિક્ષિત યુવા આગેવાનની ટિકિટ મોડી રાત્રે કાપી નાખવામાં આવતા સમાજના અગ્રણીઓએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.

ઘટનાની વિગત એવી છે કે, ભાજપ દ્વારા ગત રાત્રે વોર્ડ નંબર 11 માટે ચાર ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી ગોહિલવાડ વાળંદ જ્ઞાતિના પ્રમુખ અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર એવા પરેશભાઈ ચૌહાણના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. એક નિષ્ઠાવાન, શિક્ષિત અને સમાજમાં લોકપ્રિય એવા યુવા ચહેરાની પસંદગી થતા વાળંદ સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ હતી અને ઠેર-ઠેર વધામણાં પણ લેવાયા હતા. જોકે, આ ખુશી લાંબો સમય ટકી ન હતી. મોડી રાત્રે અકળ કારણોસર હાઈકમાન્ડ દ્વારા પરેશભાઈની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવારને ફાળવી દેવામાં આવતા આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, જે વોર્ડમાં ભાજપે ટિકિટ ફાળવીને પરત ખેંચી છે, તે વોર્ડ નંબર 11 માં વાળંદ સમાજની બહુમતી છે. આ વિસ્તારમાં સમાજના મતદારો નિર્ણાયક સંખ્યામાં છે અને કોઈપણ પક્ષની હાર-જીત નક્કી કરવાની ક્ષમતા ધરાવે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો આ વોર્ડમાં વાળંદ સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહ્યું છે અને ભૂતકાળમાં તો ભાવનગર શહેરમાં સમાજના બબ્બે કોર્પોરેટરો ચૂંટાઈ આવતા હતા.

સમાજમાં અત્યારે એવી ચર્ચા છે કે, એક શિક્ષિત અને સક્ષમ ઉમેદવારની ટિકિટ કાપીને પક્ષે જ્ઞાતિનું અપમાન કર્યું છે. વાળંદ જ્ઞાતિની એકતા અને મતદાનની તાકાત આગામી દિવસોમાં શું પરિણામ લાવશે તેના પર રાજકીય વિશ્ર્લેષકોની નજર મંડાયેલી છે. જ્ઞાતિના આગેવાનોમાં પ્રવર્તી રહેલો આ આક્રોશ જો ડેમેજ કંટ્રોલ કરવામાં ન આવે તો આગામી ચૂંટણીમાં ભાજપ માટે આ બેઠક પર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *