જલિયાવાલા બાગ : શહીદોની યાદે ઝળહળતો ઈતિહાસ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલીક ઘટનાઓ એવી બની ગઈ છે, જે ફક્ત ઈતિહાસમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રની આત્મામાં ચિરંજીવ બની ગઈ છે. 13 એપ્રિલ 1919નો જલિયાવાલા…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલીક ઘટનાઓ એવી બની ગઈ છે, જે ફક્ત ઈતિહાસમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રની આત્મામાં ચિરંજીવ બની ગઈ છે. 13 એપ્રિલ 1919નો જલિયાવાલા બાગ હત્યાકાંડ એ આવી જ ઘટના છે. આ એક એવો કાળો દિવસ જ્યાં હજારો નિર્દોષ લોકોના લોહીએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, પણ એ જ લોહીએ સ્વતંત્રતાની જ્યોતને વધુ પ્રચંડ બનાવી. આજે એક સદી પછી પણ આ ઘટના આપણને સચેત કરે છે કે, “સ્વતંત્રતા કોઈ સામાન્ય શબ્દ નથી, તે અનેક વીરોના બલિદાનોની પવિત્ર ગાથા છે.” દરેક પરિવારો દ્વારા આ શૂરવીરોની ગાથા યુવાનો અને બાળકો સુધી પહોંચાડવી જ જોઈએ. જેથી યુગોના યુગો સુધી બલિદાનોને યાદ કરીને ભારતમાની રક્ષા કરતા રહીએ.

1919માં અમૃતસરમાં રાઉલેટ એક્ટ સામે પ્રજામાં ભારે ઉગ્રતા હતી. એ એક્ટ બ્રિટિશરોની તાનાશાહીનો એક સ્પષ્ટ પુરાવો હતો. જ્યાં કોઈપણ ભારતીયોને કોઈ કારણ વગર પણ જેલમાં નાખી શકાતા. એટલે આ વિરોધ સ્વાભાવિક હતો. પરિણામે લોકો આ એક્ટનો વિરોધ દર્શાવવા, એકતાથી બાગમાં ભેગા થવા લાગ્યાં. આ એ જ કાળા દિવસે જલિયાવાલા બાગમાં હજારો નિ:શસ્ત્ર પુરુષો, સ્ત્રીઓ તેમજ અનેક બાળકો શાંતિપૂર્ણ સભા માટે એકઠા થયાં હતાં.

અમૃતસરના સુવર્ણમંદિર પાસે આવેલો જલિયાવાલા બાગ, ચારેબાજુ ઊંચી દિવાલોથી ઘેરાયેલો, તેમજ બહાર નીકળવાનો એક જ સાંકડો રસ્તો હતો. જ્યાં લોકો શાંતિથી બેઠા હતાં, ત્યારે જ જનરલ ડાયર પોતાની સૈનિક ટુકડી સાથે ત્યાં પહોંચી ગયો. તેને એ માનવ સમૂહમાં માત્ર વિરોધ જ દેખાયો, માનવતા જરાં પણ નહીં. થોડી જ ક્ષણોમાં તેણે આદેશ આપ્યો કે, ગોળીબાર શરુ કરો. ક્યારેય રોકી ના શકાય એ રીતે સતત દસ મિનિટ સુધી ગોળીઓ વરસતી રહી. લોકો પાસે રસ્તો એક જ હોવાના લીધે ભાગવાનો કોઈ રસ્તો જ નહોતો, કે રક્ષણ પણ નહોતું. ઘણાએ ઊંચી દિવાલ ચડવાનો પ્રયાસ કર્યો, તો કોઈએ કૂવામાં કૂદીને બચવાનો. આવા અનેક મરણિયા પ્રયાસોના અંતે આ લોહીના તોફાને કોઈને પણ બચવા ના દીધા. એ માત્ર હત્યા જ નહોતી, પણ માનવતાના મૂળ સુધી કંપાવી નાખનાર ઘટના હતી.

દેશભરમાં વિરોધની જવાળા ભભૂકી ઉઠી, અને બ્રિટિશ સરકારને આખી દુનિયા સામે શરમ અનુભવવી પડી. આ દુ:ખદ ઘટનાએ અસંખ્ય યુવાનોના હૃદયમાં ’આઝાદી’ શબ્દને જ્વાળામુખી બનાવ્યો. અનેક ક્રાંતિકારીઓએ સ્વરાજ પાછું મેળવવા આઝાદી માટે અનેક લડાઈઓ શરૂ કરી અને ભયંકર આંદોલન શરૂ કર્યા. આ હત્યાકાંડ બાદ લોકોએ સાબિત કરી બતાવ્યું કે અન્યાય કેટલો પણ મોટો હોય, પરંતુ સત્ય અને અહિંસાની શક્તિ તેના કરતા અનેક ગણી મોટી હોય છે.

આજે યુગ ઝડપથી જરૂૂર બદલાઈ રહ્યો છે. સુવિધાઓ અને સવલતો અનેક ગણી વધતી જાય છે. ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે. માનવોનું જીવન અતિ સરળ બનતું જાય છે. આમ છતાં કંઈક એવું જરૂૂર છે જે ક્યારેય બદલાતું નથી. જે છે ન્યાય માટે બુલંદ અવાજ, રાષ્ટ્ર માટે નૈતિક ફરજ અને માનવતા માટે સંવેદના. આજે ચારેકોર ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે. ત્યારે ન્યાય માટે કોઈ નાનો માણસ અવાજ ઉઠાવે તો એમનો પણ પૈસાના જોરે અવાજ દબાવી દેવાય છે. પૈસો છે તો યોગ્ય વપરાશ થવો જોઈએ. કોઈ નાના માણસોની રોજીરોટી છીનવી લઈને કમાયેલું ધન ક્યારેય શાંતિ આપતું નથી. અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ દરેક ભારતીય નાગરિકની નૈતિક ફરજ છે.

દેશપ્રેમનો અર્થ ફક્ત તિરંગો લહેરાવવો જ નથી, પરંતુ તેના માન – મર્યાદાને દૈનિક જીવનમાં સાચવી રાખવાની છે. સુવિધા અને સ્વતંત્રતા વચ્ચેનો જે પાતળો તફાવત છે તેને બરાબર સમજો. કોઈપણ સ્વતંત્રતા કંઈક બલિદાનના અંતે મળે, જયારે સુવિધા ખર્ચથી મળે. દેશ માટે શસ્ત્રોથી લડવું જરૂૂરી નથી, પણ અન્યાય, ખોટ, ભેદભાવ અને કોઈ અણસમજ કે અંધશ્રદ્ધા સામે આજે જરૂૂર લડવું પડશે. સમાજમાં સકારાત્મકતા ફેલાવો તેમજ દેશના કાયદા અને મૂલ્યોનું સન્માન કરો એ જ સાચો દેશપ્રેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *