’ધ 50’ રિયાલિટી શોનો પ્રથમ વિજેતા શિવ ઠાકરે બન્યો છે. ફૈસલ શેખ, કૃષ્ણા શ્રોફ અને કાકાને હરાવીને તે આ શો જીતી ગયો છે. આ શોમાં સ્પર્ધકોની શારીરિક અને માનસિક શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં બધા એક જ છત નીચે ભેગા થઈને ગ્રાન્ડ પ્રાઇઝ જીતવા માટે અલગ અલગ પડકારોનો સામનો કરી રહ્યાં હતાં. 26 અઠવાડિયાંની પ્લાનિંગ અને સ્ટ્રેટેજી બાદ ધ લાયને શિવ ઠાકરેને શોના પ્રથમ વિજેતા તરીકે જાહેર કર્યો હતો.
શિવ ઠાકરેએ ગોલ્ડન ટ્રોફી અને ટાઇટલ પોતાના નામે કર્યું. તેની સાથે તેણે 50 લાખ રૂૂપિયાનું મોટું ઇનામ પણ જીત્યું, જે તેણે પોતાના એક ફેન માટે જીત્યું, જેણે આખી સફરમાં તેનો સાથ આપ્યો હતો. 22 માર્ચ 2026ના રોજ, શો ચાર ફાઇનલિસ્ટ્સ સાથે પૂર્ણ થયો, જેઓ ટાઇટલ જીતવા માટે હરિફાઈમાં હતાં. શોમાં ભાગ લેનારા 50 સ્પર્ધકોએ 34.44 લાખ રૂૂપિયા કમાયા હતાં.
50 લાખ રૂૂપિયાનું ઇનામ શિવના ફેન સીતારામ પ્રહલાદ અઘાવને આપવામાં આવ્યું. ચેક સ્વીકારતાં, ફેને જણાવ્યું કે તે અને તેનો પરિવાર ખેતી કરે છે. તેમણે જણાવ્યું, ’હું ખૂબ ખુશ હતો, પણ મને ડર પણ લાગતો હતો કે કદાચ આ ફ્રોડ હશે. મેં તેમને ફોલો કર્યા કારણ કે મેં તેમના પહેલા શોઝ જોયા હતા. હું મારા માતા-પિતાને કાર અને ઘર આપવાનો સપનું જોતો હતો, હવે હું તે પૂરું કરી શકીશ.’
શિવ એક લોકપ્રિય ટીવી પર્સનાલિટી છે, જે પહેલા બિગ બોસ મરાઠી સીઝન 2 જીત્યો હતો. તે એમટીવી રોડીઝ રાઇઝિંગ, બિગ બોસ સીઝન 16 અને ખતરોં કે ખિલાડી 13માં પણ ભાગ લઈ ચૂક્યો છે. પરંતુ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતા પહેલા, 34 વર્ષીય શિવ પોતાના પિતાની સાથે પાનની દુકાનમાં કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દૂધના પેકેટ અને અખબાર પણ વેચતો હતો.
