મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષને કારણે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે. ભારતીય શેરબજારમાં આજે શરૂઆતની મિનિટોમાં જ મસમોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ આશરે 1800 પોઈન્ટ (2.35%) ઘટીને 74,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 540 પોઈન્ટ (2.20%) નો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે અચાનક ભૌગોલિક રાજકીય તણાવ વધવાથી ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ $112 પ્રતિ બેરલની ભયાનક સીમા પાર કરી ગયું છે. આ વૈશ્વિક ગભરાટની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર પડી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
જ્યારે પણ વિશ્વના કોઈપણ ખૂણામાં મોટી ઉથલપાથલ થાય છે, ત્યારે તેની સીધી અસર આપણા અર્થતંત્ર અને શેરબજાર પર પડે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી જતી મડાગાંઠને કારણે વિશ્વભરના બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે વૈશ્વિક રોકાણકારો ગભરાઈ ગયા છે, જેના કારણે ભારે વેચવાલી શરૂ થઈ છે. આ વૈશ્વિક વેચાણના કારણે આજે આપણા સ્થાનિક બજારને ભારે નુકસાન થયું છે.
