કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને લઈને મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને તાત્કાલિક અસરથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ તેમની અટકાયત રદ કરી છે.
થોડા મહિના પહેલા લદ્દાખમાં થયેલી હિંસા બાદ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી. સરકાર જણાવે છે કે આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને સ્થિરતાના વાતાવરણને મજબૂત બનાવવા અને તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક વાતચીતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે અને યોગ્ય વિચાર-વિમર્શ પછી તાત્કાલિક અસરથી સોનમ વાંગચુકની અટકાયત રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મામલાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સોનમ વાંગચુક સંપૂર્ણપણે મુક્ત રહેશે અને તેમને આ મામલે કોઈ બીજી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે નહીં. સરકારના આ નિર્ણય બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સરકારનું માનવું છે કે આ પગલાંથી લદ્દાખની માંગણીઓને લઈને ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવામાં મદદ મળશે. સોનમ વાંગચુક છેલ્લા લાંબા સમયથી લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા અને રાજ્યનો દરજ્જો આપવા જેવી માગોને લઈને આંદોલન કરી રહ્યા છે. લદ્દાખ પ્રશાસને 24 સપ્ટેમ્બર 2025ના રોજ લેહ હિંસા ભડકાવવાના આરોપમાં 26 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ વાંગચુકને અટકાયતમાં લીધા હતા. ત્યારથી તેઓ જોધપુર જેલમાં છે. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. લગભગ સાડા પાંચ મહિના થઈ ચૂક્યા છે. લગભગ 170 દિવસ પછી મુક્ત થશે.
