વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ની વહીવટી અને નાણાકીય શિથિલતા ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ જાળવવાની જવાબદારી તેના શિરે છે, તે જ નગરપાલિકા લાખો રૂૂપિયાનું વીજ બિલ ભરવામાં નિષ્ફળ રહી છે. આગામી દિવસ સાત ની અંદર બાકી લેણાં ની ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ પુરવઠો બંધ કરવા અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવનાર હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવેલ છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જારી કરાયેલા વિગતો અનુસાર, વેરાવળ નગરપાલિકા પાસે પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો મળી કુલ 105 વીજ જોડાણના કુલ રૂૂપિયા 57,51,015/- ની રકમ લેણી નીકળે છે ત્યારે વીજકનેક્શન કપાતા લોકોને પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની સેવાઓ તંત્રના વાંકે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વેરાવળ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ વિભાગીય કચેરીના જણાવ્યા અનુસાર આ બાકી રકમની વસુલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં, નગરપાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબત કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ લાપરવાહીને પગલે હવે વીજ કંપની કડક વલણ અપનાવવાની ફરજ પડી છે.
કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તા.12 માર્ચ 2026 થી આગામી 7 દિવસની અંદર જો બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો નગરપાલિકા હસ્તક ના તમામ મહત્વના વીજ જોડાણ કાપી નાખવામાં આવશે. આ કડક કાર્યવાહી ના કારણે પાણી-સ્ટ્રીટલાઈટ સહિતની સેવાને અસર થઈ શકે છે. પાણી પુરવઠો, વોટર વર્કસના જોડાણો કપાતા આખા શહેરમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. સ્ટ્રીટ લાઈટ રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ શકે છે. જાહેર સેવાઓમા અન્ય સરકારી અને વહીવટી જોડાણો કપાતા જનતાના કામો અટકી શકે છે.
