પરિવારે કપલને છૂટા પાડતા યુવકે હેબિયસ કોપર્સ કરી હતી
મહેસાણા જિલ્લામાં લિવઈનમાં રહેતા 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતીને પરિવારે છુટા પાડ્યા બાદ યુવક તરફથી હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી કરાતા કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીને હાઈકોર્ટમાં બોલાવી કોર્ટે તેની ઈચ્છા જાણી હતી. ત્યારબાદ અલગ અલગ ધર્મના યુવક-યુવતીને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હુકમ કર્યો હતો. સાથે જ જો ભવિષ્યમાં અલગ થાય તો સ્ત્રીની સુરક્ષા માટે તેના પક્ષમાં 3 લાખ રૂૂપિયા જમા કરાવવા પણ યુવકને હુકમ કર્યો છે.
આ કિસ્સો મહેસાણા જિલ્લાનો છે, જ્યાં અલગ-અલગ ધર્મના 22 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતી સાથે રહેતા હતા. તેઓને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને બનાસકાંઠાના પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ બળજબરીપૂર્વકના અલગાવ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. યુવકે તેની પાર્ટનરની કસ્ટડી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે. હાઈકોર્ટે યુવતીની ઈચ્છા જાણવા માટે તેને બોલાવી હતી. હાઈકોર્ટે ભવિષ્યમાં કોઈ કમનસીબ પરિસ્થિતિ ઊભી થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ યુવકને 03 લાખ રૂૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું ફાઇલ કરવા જણાવ્યું હતું.
યુવકે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અને તે માટેની તમામ કાનૂની જરૂૂરિયાતોનું પાલન કરવા તૈયાર છે. તેણે એવી પણ બાહેંધરી આપી હતી કે તે તેની ક્ષમતા અને સાધનો મુજબ તેના ભરણપોષણ, રહેઠાણ અને જીવનની તમામ જરૂૂરિયાતો પૂરી પાડશે. તે યુવતી સાથે ગરિમા અને સન્માન સાથે વર્તશે અને તમામ બાબતોમાં તેની સુખાકારી સુનિશ્ચિત કરશે. હાઈકોર્ટે યુવકને રાષ્ટ્રીયકૃત બેંકમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે જો ભવિષ્યમાં આ કપલ અલગ થાય, તો 3 લાખ રૂૂપિયાની પૂરેપૂરી રકમ તેની આર્થિક સુરક્ષા માટે તેને સોંપી દેવામાં આવશે.
હાઈકોર્ટે વધુમાં યુવકને લગ્નનો ઈરાદો હોવાની નોટિસ આપવા અને 6 અઠવાડિયાના ગાળામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે સંબંધિત સરકારી અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો હતો કે અરજદાર અને પ્રતિવાદીની લગ્નની અરજી પર પ્રક્રિયા કરે અને ખાતરી કરે કે તમામ જરૂૂરિયાતો પૂર્ણ થાય અને કાયદા અનુસાર લગ્ન સંપન્ન થાય.
હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 24 એપ્રિલ પર મુલતવી રાખી છે અને યુવતીને અમદાવાદના મહિલા સંરક્ષણ ગૃહમાં રહેવાનું નિર્દેશ આપ્યો છે. તેને લગ્નની નોંધણીની વિધિઓ પૂરી કરવા માટે અરજદાર યુવક સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને તેને જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પૂરા પાડવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
