જાપાનના નીકેઇમાં 11 ટકા, સાઉથ કોરિયાના સ્ટોક માર્કેટ કોપસીમાં 11 ટકા, સિંગાપોર એસજીએકસમાં 860 અને જર્મન શેર બજાર પણ 1750 પોઇન્ટ તૂટ્યું
ઇરાન પર અમેરીકા અને ઇઝરાયેલે હુમલા કર્યા બાદ પાંચ દિવસમાં વિશ્ર્વભરના સ્ટોક માર્કેટમાં પણ હાહાકાર મચી ગયો છે. ભારતીય સ્ટોક માર્કેટની સાથે સાથે અમેરીકા, કોરીયા, જાપાન, સીંગાપોર તેમજ જર્મન દેશના સ્ટોક એકસચેંજ પર મોટા ગાબડા પડતા અબજોના અબજો રૂપીયાનું ધોવાણ થઇ ગયું છે. ગત રાતે ડાઉ જોન્સમાં પણ 453 પોઇન્ટનો કડાકો બોલી જતા અમેરીકાની પણ મોટા ભાગની કંપનીઓના શેરમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
અમેરીકાની જ વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં ડાઉ જોન્સમાં જ 3000 પોઇન્ટનું ગાબડુ પડી ગયું છે. યુધ્ધની શરૂઆત પહેલા ડાઉ જોન્સ પ્રથમ વખત 50000ની સપાટીથી આગળ વધીને 50400 સુધી પહોંચ્યો હતો. પરંતુ યુધ્ધ શરૂ થતા જ ડાઉ જોન્સ અને નાસ્ડેક બન્નેમાં ભારે વેચવાલીનું જોર જોવા મળતા ડાઉ જોન્સમાં મોટા કડાકા-ભડાકા જોવા મળ્યા હતા. ગઇકાલે પણ ડાઉ જોન્સમાં 453 પોઇન્ટની નીચલી સપાટી જોવા મળતા ડાઉ જોન્સ ઘટીને 47501 પર આવી ગયો છે. બીજી બાજુ નાસ્ડેક પણ છેલ્લા છ દિવસમાં 1560 પોઇન્ટનો કડાકો બોલી જતા આઇટી કંપનીના શેરોમાં ભારે ગીરાવટ જોવા મળી છે. અમેરીકાની માતબર કંપની ટેસ્લા, એપલ સહીતની કંપનીનાં શેરો તુટયા છે.
અમેરિકાની સાથે સાથે વિશ્ર્વભરના માર્કેટની હાલત પણ કફોડી બની ગઇ છે. જાપાનના નીકેઇમાં પણ છેલ્લા 11 મહીનામાં સૌથી મોટો કડાકો બોલી ગયો છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન જાપાનના નીકેઇ સ્ટોક એકસચેંજમાં 2532 પોઇન્ટનો મોટો કડાકો બોલી ગયો છે. હાલ નીકેઇ 55425 ઉપર જોવા મળી રહ્યો છે.જાપાનના સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળતા તેની અસર પાડોશી દેશ સાઉથ કોરિયામાં પણ જોવા મળી હતી.
અહીંના સ્ટોક એકસચેંજ કોપસીમાં બે દિવસ પહેલા 6 ટકાનો કડાકો બોલી ગયો હતો. છેલલા પાંચ દિવસ દરમિયાન લગગભ 11 ટકા શેર માર્કેટ સાઉથ કોરીયામાં તુટવા પામ્યું છે.આ ઉપરાંત સિંગાપોર સ્ટોક એકસચેંજ એસજીએકસમાં પાંચ દિવસમાં 660 પોઇન્ટ અને એક મહીનામાં 1337 પોઇન્ટ તુટી ગયું છે. જયારે જર્મનીનું સ્ટોક એકસચેંજ ડીએએકસ પણ પાંચ દિવસમાં 1478 પોઇન્ટ તુટી ગયું છે.
