ઔદ્યોગિક ગેસનો કયુબિક મીટરનો ભાવ રૂા.40થી વધી સીધો રૂા.119 કરી નાખ્યો
ઇરાન-ઇઝરાયેલ વોરના કારણે ગેસની સપ્લાય ચેન ખોરવાઇ
ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચે મિડિલ ઈસ્ટમાં વધી રહેલા સૈન્ય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય જનજીવન અને ઉદ્યોગો પર દેખાવા લાગી છે. દેશની અગ્રણી ગેસ (Gas) સપ્લાયર કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે ગેસની કિંમતોમાં જંગી વધારો ઝીંકી દીધો છે. મિડિલ ઈસ્ટથી આવતા લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ની સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે કંપનીએ આ આકરો નિર્ણય લેવો પડ્યો છે.
અદાણી ટોટલ ગેસે (Gas) ઈન્ડસ્ટ્રીયલ ક્લાયન્ટ્સ માટે ભાવ વધારાની જાહેરાત કરી છે. તે મુજબ નિર્ધારિત મર્યાદાથી વધુ વપરાશ કરતા ગ્રાહકો માટે ગેસનો ભાવ વધીને ₹119 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થયો છે. અગાઉ આ જ ગેસનો ભાવ આશરે ₹40 પ્રતિ SCM હતો. મતલબ કે, સીધો 197% જેટલો ધરખમ વધારો જોવા મળ્યો છે. આ વધારો ખાસ કરીને તે ગ્રાહકો પર લાગુ થશે જેઓ તેમના દૈનિક કોન્ટ્રાક્ટ જથ્થાના 40% થી વધુ ગેસનો વપરાશ કરે છે.
આ ભાવ વધારા પાછળ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય કારણો જવાબદાર છે. હોર્મુઝની ખાડીમાં અવરોધ: ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી આ સાંકડી દરિયાઈ પટ્ટી વિશ્વના 20% તેલ અને ગેસના વેપાર માટે જીવનરેખા છે. તાજેતરના હુમલા અને ઈરાન દ્વારા જહાજો પરના પ્રતિબંધોને કારણે આ રૂૂટ પર ટ્રાફિક લગભગ થંભી ગયો છે. જેના કારણે અદાણી ટોટલ ગેસને ઉપરથી મળતા ગેસના જથ્થામાં મોટો ઘટાડો થયો છે. કતાર એનર્જી જેવી મોટી કંપનીઓએ ‘ફોર્સ મેઝ્યોર’ જાહેર કરીને સપ્લાય રોકી દીધી છે. આ ઉપરાંત LNG લાવતા જહાજો પર હુમલાના ભયને કારણે વીમા પ્રીમિયમ અને નૂરના દરો આસમાને પહોંચ્યા છે, જેનો બોજ કંપનીએ ગ્રાહકો પર નાખવો પડ્યો છે.
માત્ર અદાણી જ નહીં, પણ GAIL અને ગુજરાત ગેસ જેવી કંપનીઓ પણ સપ્લાયમાં કાપ મુકવાની તૈયારી કરી રહી છે. ગુજરાત ગેસે તો તેના ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને ગેસ સપ્લાય મર્યાદિત કરવાની સૂચના આપી દીધી છે અને ‘ફોર્સ મેઝ્યોર’ લાગુ કર્યું છે. મિડલ ઈસ્ટનું આ યુદ્ધ જો લાંબુ ચાલશે તો ભારતમાં માત્ર ગેસ જ નહીં, પણ પેટ્રોલ-ડીઝલ અને ફર્ટિલાઈઝર (ખાતર) ના ભાવ પણ વધી શકે છે.
