મહારાષ્ટ્રના કલ્યાણમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રેબીઝ થઈ જશે તેવા ડરથી એક આશાસ્પદ યુવાને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. કલ્યાણ પૂર્વમાં એક બેંકમાં સિનિયર પોસ્ટ પર કાર્યરત એસ વિશ્વનાથ અમીને રખડતા કુતરાના કરડ્યા બાદ ઊભી થયેલી માનસિક દહેશતને કારણે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
કલ્યાણ પૂર્વના તીસગાંવ નાકા વિસ્તારમાં આવેલી સહજીવન સોસાયટીમાં રહેતા એસ વિશ્વનાથ અમીન થોડા દિવસો પહેલા રખડતા કુતરાનો શિકાર બન્યા હતા. કુતરું કરડ્યા બાદ તેમણે તબીબી સલાહ મુજબ રેબીઝ વિરોધી ઈન્જેક્શન (રસી) પણ લીધી હતી. જોકે, તેમ છતાં તેમના મનમાંથી રેબીઝનો ડર દૂર થયો નહોતો. વિશ્વનાથ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતા. તેમને સતત એવું લાગતું હતું કે તેમને રેબીઝ થઈ જશે અને તેમનામાં તેના લક્ષણો દેખાવા લાગ્યા છે. તેમને એ વાતનો ડર સતાવતો હતો કે જો તેમને રેબીઝ થશે તો તેમના પરિવારના સભ્યોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ ડર અને પરિવાર પ્રત્યેની ચિંતામાં તેમણે પોતાના જ ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.
