રાણાવાવમાં 65થી વધુ લોકો સાથે 38.36 લાખની ઠગાઈ

પોરબંદરના રાણાવાવમાં લોનના નામે મોટાપાયે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જૂના વાહન આપી જાઓ ને નવા વાહન લઇ જાઓ જેવી આકર્ષક ઓફર આપી ખોટી લોન…

પોરબંદરના રાણાવાવમાં લોનના નામે મોટાપાયે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જૂના વાહન આપી જાઓ ને નવા વાહન લઇ જાઓ જેવી આકર્ષક ઓફર આપી ખોટી લોન અને બનાવટી એનઓસીથી 65થી વધુ લોકો સાથે આશરે ₹38.36 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે ચારેક દિવસ અગાઉ ભોગ બનેલા લોકોએ ભેગા થઇને આરોપી સામે રોષ ઠાલવ્યો હતો.

ફરિયાદ મુજબ, રોપી ધવલ ખુદાઈ હીરો ફિનકોર્પ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. જે રાણાવાવ સ્થિત ’જયશ્રી મોટર્સ’ નામની દુકાને બેસી ગ્રાહકોને ટુ-વ્હીલર ખરીદવા માટે આકર્ષક યોજનાઓ ઓફર કરતો હતો. તે જૂના વાહનો પરત રાખી નવા વાહનો ઓછી કિંમતમાં અપાવવાની લાલચ આપી ગ્રાહકોનો વિશ્વાસ જીતતો હતો.

આરોપી ફરિયાદી અને અન્ય ભોગ બનનાર પાસેથી વિવિધ બહાના હેઠળ તેમના મોબાઇલ પર આવતા ઓટીપી નંબર મેળવી લેતો હતો. તેમની જાણકારી કે મંજૂરી વિના નવી બાઇક પર લોન મંજૂર કરાવી દેતો હતો.
આ ઉપરાંત, તેણે કેટલાક લોકોને વધુ નફાની લાલચ આપી પર્સનલ લોન પણ કરાવી હતી. લોન ક્લોઝ ન હોવા છતાં, આરોપી દ્વારા ખોટી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) તૈયાર કરી આપવામાં આવી હતી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરાયો હતો. આ રીતે 60થી વધુ લોકો સાથે કુલ રૂૂપિયા 38,36,600ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે રાણાવાવ પોલીસે આરોપી ધવલ ખુદાઈ કારવા વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ અંગે ડીવાયએસપી ધ્રુવલ સુતરીયાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આરોપીએ એક્સિસ બેંક અને હીરો ફિનકોર્પ ફાઇનાન્સ કંપનીમાં લોન કરાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને અન્ય કોઈ આ કૌભાંડમાં સામેલ છે કે કેમ, તેની સઘન તપાસ ચાલુ છે.
ડીવાયએસપીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, આવી કોઈ પણ લોભામણી સ્કીમ કે વાહન બદલી આપવાની લાલચમાં ન ફસાય. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેની ખરાઈ કરવી અને પોતાની જાણ બહાર કોઈને લોન માટે ઓટીપી કે ડોક્યુમેન્ટ્સ ન આપવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *