ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી, વાદળછાયુ વાતાવરણ રહેશે

48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધવાની સંભાવના ગુજરાતમા ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડી અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદ થતાં ઋતુઓનો ત્રિવેણી સંગમ હોય…

48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધવાની સંભાવના

ગુજરાતમા ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડી અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદ થતાં ઋતુઓનો ત્રિવેણી સંગમ હોય તેવું હવામાન સર્જાયું હતું. આજે સવારે મહીસાગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથેજ 48 કલાક બાદ મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ તબક્કાવાર વધારો નોંધાશે.

હવામાન વિભાગ અનુસાર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદના બે દિવસમાં મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન પણ આગામી ત્રણ દિવસમાં ધીમે ધીમે વધશે. અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

દેશના હવામાન પર બે મુખ્ય સિસ્ટમ્સની અસર વર્તાઈ રહી છે. વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સક્રિય થયેલા ’લો લેવલ સરક્યુલેશન’ના કારણે શ્રીલંકા અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ગાઢ વાદળો અને તીવ્ર ક્ધવેક્શન જોવા મળી રહ્યું છે. આ સિવાય, ઉત્તર ભારતમાં સક્રિય ’વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ના પરિણામે લડાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વાદળો સાથે મધ્યમથી તીવ્ર વરસાદી ગતિવિધિઓ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *