આજે સમય બદલાયો, સમાજ બદલાયો, સબંધોની માગણીઓ બદલાઈ છતાં પ્રેમનો મૂળ સ્વભાવ બદલાયો નથી. પ્રેમ હંમેશા સચ્ચાઈ, સમર્પણ અને સાથ માગે છે. આજનો સમય પ્રેમની ખોટી સમજણથી ઘેરાયો છે. સોશિયલ મીડિયા, ઝડપથી બદલાતી લાઈફસ્ટાઈલ અને પ્રદર્શિત કરતી સંસ્કૃતિએ પ્રેમને ફક્ત ભેટ, ડિનર અને એક દિવસની ઉજવણી સુધી સીમિત કરી દીધો છે. પ્રેમ ક્યારેય એક દિવસનો ઉત્સવ હોતો નથી. પ્રેમ એ તો જીવનની સૌથી ગંભીર, સૌથી ઊંડી અને સૌથી પરિવર્તનશીલ શક્તિ છે. જે માણસના વ્યક્તિત્વથી લઈને તેની જીવનયાત્રા સુધીમાં બધું બદલી નાખે છે. યુવાનોએ ખાસ દર વર્ષે 14 ફેબ્રુઆરીએ આવતો આ ‘વેલેન્ટાઈન્સ ડે’ નો અર્થ સમજવો ખૂબ જરૂૂરી છે.
વાસ્તવમાં પ્રેમ એટલે એકબીજાનું સન્માન. જ્યાં ઈજ્જત નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. સાચો પ્રેમ તો એ છે જ્યાં તમે સાથીના વિચારો અને સપનાઓની કદર કરો. સારા સમયમાં તો બધાં સાથે હોય, પરંતુ જયારે કોઈ મુશ્કેલી આવે ત્યારે હાથ છોડવાને બદલે જે મજબૂતીથી હાથ પકડી રાખે. પ્રેમમાં બોલવું જેટલું જરૂૂરી છે, તેથી વધુ સાંભળવું પણ જરૂૂરી છે. સાથી કંઈ બોલે તે પહેલાં જ મનની ભાષા કે તકલીફ સમજી લેવી એ જ તો સાચી લાગણી છે.
પ્રેમ ક્યારેય કોઈને બાંધતો નથી. એ તો ખૂબ ઉંચે ઉડવાની અદમ્ય શક્તિ આપે છે. એકબીજાને જગ્યા આપવી, એકબીજાનાં સપનાઓને નવી પાંખો આપવી એ અત્યંત જરૂૂરી છે. મોંઘીદાટ ભેટ કરતા, સાથી સાથે પળ જેટલો પણ સમય સુવિચારો સાથે વિતાવવો વધુ કિંમતી છે. જેમ કે તે જમી લીધું? તે આરામ કર્યો? તું ઠીક તો છે ને? તને કોઈ તકલીફ તો નથી ને? હું હંમેશા તારી સાથે છું, હું છુ ત્યાં સુધી તને કોઈ તકલીફ પડવા નહીં દઉં જેવા અનેક વાક્યો અને સવાલો પણ ભેટ કરતા ખૂબ કિંમતી છે.
“યુવાનીનો પ્રેમ આકર્ષણ હોઈ શકે, પણ જે ઘડપણ સુધી સાથ નિભાવે તે પ્રેમ એટલે જ ભવોભવનો પ્રેમ.”
પ્રેમમાં અધિકાર નહીં, પણ આધાર હોય.
પ્રેમમાં દબાણ નહીં, પણ વિશ્વાસ હોય.
પ્રેમમાં દેખાડો નહીં, પણ સમજણ હોય.
સમયાંતરે યોગ્ય સંવાદ, ભરપૂર વિશ્વાસ અને દરેકમાં સમાનતા હોવી આ ત્રણ મજબૂત પાયા વગર પ્રેમ ટકી શકતો નથી. માત્ર ફેબ્રુઆરીનાં ગણ્યા ગાઠાં દિવસોમાં ગુલાબ કે કોઈ ભેટ આપવાથી સંબંધ મજબૂત નહીં બને, પરંતુ દરેક સંવાદોમાં છલકતી સચ્ચાઈ અને વર્તનમાં ભળતી પ્રામાણિકતા જ સંબંધોને લાંબી આવરદા આપી શકે છે. દરેક યુવાનોએ ખાસ સમજવું જરૂૂરી છે કે, “પ્રેમ એ આજની ખુશી નહીં, પણ આવતીકાલના સંબંધોની વિશાળ પ્રગતિ છે.
આજે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને સરેઆમ મારી નાખી, પ્રેમીને પ્રેમમાં વિશ્વાસઘાત મળતાં પ્રેમિકાને રહેંસી નાખી અથવા તો પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળીને પહેલા પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો. આવા ક્ષણિક કોઈ પ્રેમ હોતા જ નથી. પ્રેમ તો ભવોભવની પ્રીત છે. જે મારવા કરતાં ઉગારે વધુ. આજકાલના ઉતાવળિયા પ્રેમ એ ક્ષણિક આકર્ષણ છે. કોઈ પૈસાથી લલચાઈ તો કોઈ દેખાવમાં આકર્ષાઈ તો વળી કોઈ હવસખોર શિકારીના જાળમાં ફસાઈ આવા તો અનેક ઉદાહરણો છે. જેને પ્રેમનું નામ આપીને પ્રેમ શબ્દને પણ લાંછન લગાડે છે.
પ્રેમને આંધળો જરૂૂર કહેવાય છે, પરંતુ પ્રેમ બુદ્ધિ વગરનો તો નથી જ. આજે યુવાનીમાં પગલું માંડતા જ આકર્ષણના આવેગમાં આવીને પોતાનું દિલ દઈ બેસતાં યુવાનો જો સામે વાળી વ્યક્તિને થોડી સમજે, જાણે કે થોડું મનમાં ડોકિયું કરે તો ખોટા પ્રેમજાળમાં ફસાતા બચી શકે. ખાસ કરીને કોઈપણ સંબંધોમાં મતભેદો તો આવશે જ. પ્રશ્ન એ નથી કે મતભેદ થશે કે નહીં, પણ દરેક અડચણો પૂરી પરિપકવતાથી જો પાર પડે તો પ્રેમ શું છે એ જરૂૂર સમજાશે.
